હવે ડોક્ટરે પોતાની SUVને ગાયના છાણનું લીપણ કર્યું, કારમાં ગરમીની કોઈ અસર નથી થતી
જુના જમાનામાં લોકો પોતાના ઘરને ઠંડુ રાખવા માટે ગાયોના છાણ નું લીપણ કરતા હતા,જેથી ગમે તેવી ગરમીમાં પણ ઘરમાં શિયાળા જેવી ઠંડક રહેતી,હમણાં એક ઓફિસમાં પણ કોઈએ લીપણ કરાવ્યું જેથી ઓફીસ ઠંડી રહી શકે, આ લિપણ કરાવવાથી ફાયદો પણ થાય છે,જેમને કરાવ્યું તેમને ફાયદો અને સંતોષ જોવા મળ્યો છે,
આથી જ થોડા દિવસ પેહલા એક અમદાવાદીની કાર ચર્ચામાં આવી હતી ત્યારે આજે ફરી એક શિક્ષિત ડોક્ટર નો કિસ્સો વાંચીએ
હવે ડોક્ટરે પોતાની કાર પર છાણ લગાવ્યું
થોડા દિવસો પહેલા છાણના લીપણ સાથે ટોયોટા કોરોલા કારનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. બાદમાં ખબર મળી હતી કે આ કાર અમદાવાદના સેજલ શાહની હતી અને તેમણે ગરમીથી કારને ઠંડી રાખવા માટે તેના પર છાણનું લીપણ કર્યું હતું. હવે આ લિસ્ટમાં વધુ એક ડોક્ટર શામેલ થઈ ગયા છે. જેમણે પોતાની મોંઘીદાટ એસયૂવી કારને છાણનું લીપણ કર્યું છે.
કારમાં એસી કરવાની પણ જરૂર નથી પડતી
પુણેમાં રહેતા ડોક્ટર નવનાથ દુધાલે પોતાની મહિન્દ્રા એક્સયૂવી 500 કારને ગાયના છાણથી લીપણ કર્યું છે. સકાલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ ડો.દુધાલનો દાવો છે કે પુણેમાં પડી રહેલી જબરજસ્ત ગરમીની તેમની કાર પર કોઈ અસર નથી થઈ રહી, તેમણે કારના એસીનો ઉપયોગ નહીવત કરી દીધો છે.
કાર પર છાણના ત્રણ કોટિંગ કરાયા
સોશિયલ મીડિયામાં હવે ડો. દુધાલની કારના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે તેમણે કારની લાઈટ અને કાચને છોડીને બધી જગ્યાએ છાણનું લીપણ કર્યું છે. તેમના મુજબ કાર પર છાણના ત્રણ કોટિંગ કરાયા છે અને તે એક મહિના સુધી સુરક્ષિત રહેશે. સૂર્યના પ્રકાશનો પણ કારની છત પર કોઈ પ્રભાવ નથી પડતો. આ કારણે જ કારની અંદરનું તાપમાન બહારની તુલનાએ 5થી 7 ડિગ્રી ઓછું રહે છે.
છાણથી કારને કોઈ નુકસાન નહીં
ડો. દુધાલને કહેવા મુજબ ગાયના છાણને પાણી અને કપડા દ્વારા સરળતાથી સાફ કરી શકાય છે. તેના કારણે બોડી પર કોઈ નિશાન નથી પડતા અને પેઈન્ટ પણ ખરાબ નથી થતો. જોકે થોડીવાર સુધી કારની અંદર છાણની વાસ આવે પરંતુ થોડા સમય બાદ તે પણ જતી રહે છે.
ડો. દુધાલ મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં સીનિયર ડોક્ટર છે. તેમનો દાવો છે કે ગૌમૂત્રના ફાયદા વિશે ઘણું વાંચ્યું છે. પરંતુ હજુ સુધી એવું કોઈ સંશોધન સામે નથી આવ્યું જેમા ગાયના છાણથી કાર ઠંડી હોવાની ખબર મળી હોય.