અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાન સરકાર બનાવવા માટે તૈયાર છે. તાલિબાન આજે શુક્રવારની નમાઝ બાદ જ ઈરાનની તર્જ પર કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરશે. સૌથી મોટા ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને દેશના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે.
જયારે, તાલિબાન પહેલાથી જ ગવર્નર અને મેયરની નિમણૂક કરી ચૂક્યું છે. કેબિનેટ મંત્રીઓના નામ પણ ફાઇનલ કરવામાં આવ્યા છે. તાલિબાન નેતા સામંગાણીએ જણાવ્યું હતું કે નવી સરકાર હેઠળ રાજ્યપાલ પ્રાંતોના વડા હશે અને જિલ્લા ગવર્નર તેમના જિલ્લાનો હવાલો સંભાળશે.
ઈરાનમાં નેતૃત્વની તર્જ પર આ વ્યવસ્થા કરવામાં આવશે જ્યાં સર્વોચ્ચ નેતા દેશની સૌથી મોટી રાજકીય અને ધાર્મિક સત્તા છે. તેમનું પદ રાષ્ટ્રપતિની ઉપર છે અને તેઓ સેના, સરકાર અને ન્યાય પ્રણાલીના વડાઓની નિમણૂક કરે છે. દેશના રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોમાં સર્વોચ્ચ નેતાનો નિર્ણય અંતિમ છે. આ મોડેલ પર તાલિબાન સરકાર બનાવી રહ્યું છે.
વરિષ્ઠ નેતા અહમદુલ્લા મુત્તાકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અખુંદઝાદા સૌથી મોટી રાજકીય અને ધાર્મિક સત્તા હશે. તેમનું પદ રાષ્ટ્રપતિ પદથી ઉપર હશે. તે સેના, સરકાર અને ન્યાય વ્યવસ્થાના વડાઓની નિમણૂક કરી શકશે. તેમનો નિર્ણય દેશના રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોમાં અંતિમ માનવામાં આવશે.
રાજ્યપાલ સંચાલન કરશે રાજ્ય અને જિલ્લાઓનું: સામંગનીએ કહ્યું કે નવી સરકાર હેઠળ રાજ્યપાલ પ્રાંતોના વડા હશે અને ‘જિલ્લા ગવર્નર’ તેમના જિલ્લાના પ્રભારી રહેશે. તાલિબાન પહેલેથી જ પ્રાંતો અને જિલ્લાઓ માટે રાજ્યપાલ, પોલીસ વડા અને પોલીસ કમાન્ડરની નિમણૂક કરી ચૂક્યા છે. નવી વહીવટી પ્રણાલીનું નામ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત હજુ નક્કી કરવાનું બાકી છે. આ દરમિયાન, દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના નાયબ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઇએ ગુરુવારે વિદેશી મીડિયા ચેનલોને જણાવ્યું હતું કે નવી સરકારમાં તમામ અફઘાન જાતિઓ અને મહિલાઓના સભ્યોનો સમાવેશ થશે.
20 વર્ષ સુધી સરકારમાં રહ્યા તો હવે જગ્યા નથી: મુફ્તી ઇનામુલ્લા સામંગાનીએ કહ્યું, “છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારોમાં જે કોઇ સામેલ હતું તેને નવા તાલિબાન વહીવટમાં સ્થાન મળશે નહીં.” મુલ્લા અખુંદઝાદા કંદહારથી સરકારની દેખરેખ કરશે. સામંગનીએ કહ્યું કે તાલિબાન યુરોપિયન યુનિયન, અમેરિકા અને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે અને આ માટે દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસ વિવિધ દેશોના સંપર્કમાં છે. આગામી 48 કલાકમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરવાની પણ યોજના છે.
સરકાર ચલાવવા માટે ચીન આપશે ભંડોળ: આ દરમિયાન, તાલિબાને કહ્યું છે કે તે ભંડોળ માટે ચીન પર નિર્ભર છે, કારણ કે ચીન તેમનો સૌથી વિશ્વાસુ સાથી છે. થોડા દિવસો પહેલા તાલિબાનમાં નંબર બે ગણાતા મુલ્લા અબ્દુલ ગની બરાદરે બેઇજિંગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર (આશરે 200 લાખ કરોડ રૂપિયા) ની ખનિજ સંપત્તિ છે, જેના પર વિશ્વની ફેક્ટરી તરીકે પ્રસ્થાપિત થયેલા ચીનની નજર છે.