તમે પણ રમો છો ચાલુ ચાર્જીંગમાં ગેમ તો થઈ જાવ સાવધાન, વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો

હાલના સમયમાં દરેક લોકો મોબાઈલથી ઘેરાયાલા છે કેમકે નાનામાં નાની બાબત પણ મોબાઈલ દ્વારા જ થાય છે. પરંતુ ક્યારેક મોબાઈલના કારણે એવી ઘટના બનતી હોય છે તે ખૂબ જ ભયાનક રહે છે. તેમાં પણ ખાસ કરીને મોબાઈલ બ્લાસ્ટ થવો તે ખૂબ ચિંતાજનક હોય છે. જ્યારે આજની એક ઘટના પણ કંઇક એવી જ છે.

બાલાસિનોર તાલુકાના વસાદરા ગ્રામપંચાયતમાં આવેલા ભમરીયામાં મોબાઈલ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. ઘણીવખત એવી ઘટના બનતી હોય છે કે ચાલુ ચાર્જિંગમાં ફોન પર વાત કરતા હોવાને કારણે અથવા ચાર્જિંગમાં ફોન મુકીને સુઈ ગયા હોવાને કારણે ફોનમાં બ્લાસ્ટ થતો હોય છે. પરંતુ અહીં 14 વર્ષના કિશોર સાથે આ જ પ્રકારની ઘટના બની છે. જેમાં કિશોરનો ફોન ચાર્જ થઈ રહ્યો હતો અને ડાબા હાથમાં ફોન મૂકીને તે ગેમ રમી રહ્યો હતો. ફોનમાં બ્લાસ્ટ થતા તેના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવા ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

જ્યારે ભારે ઈજા હોવાના કારણે કિશોરને તાત્કાલિક બાયડ ખાતે આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કિશોરની પાંચેય આંગળીઓના ટેરવાને કાયમી માટે નુકસાન પહોંચ્યું છે. શક્ય છે કે હવે તે આજીવન આ ટેરવાનો ઉપયોગ કરી શકશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરનું નામ પરમાર અજયકુમાર સરદારભાઈ રહેલ છે. તેના પિતા પરમાર સરદારભાઈ સોમાભાઈ ગરીબ પરિવારથી છે. કિશોર અજયકુમાર નાની ઉંમરથી સાંભળી શકતો નથી. તે ગોધરા ખાતે આવેલી મૂકબધિર હોસ્ટેલમાં અભ્યાસ કરે છે.

તેની સાથે દીકરામાં કુદરતી ખોટ હોવાને લીધે માતા-પિતા હંમેશા ચિંતામાં રહેતા હતા. તેઓ શક્ય હોય તેટલી દીકરાની ઈચ્છાઓ પૂરી કરીને તેને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા. હવે પોતાના લાડલા દીકરા સાથે આવી દુર્ઘટના થતા માતા-પિતા ચિંતા મુકાઈ ગયા છે. અજયકુમારના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવાઓના છુંદેછુંદા નીકળી ગયા હતા. ઓર્થોપેડિક હોસ્પિટલમાં તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે.

તબીબો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ તેમના જણાવ્યા મુજબ આંગળીઓને કાયમી માટે નુકસાન પહોંચ્યું છે. જ્યારે બાયડની જે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી ત્યાના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, પડવાથી, વાગવાથી કે ફ્રેક્ચર થવાથી આ પ્રકારની ઈજા થતી નથી. આ ચોક્કસપણે બ્લાસ્ટને કારણે જ થયેલ છે. બળવાને કારણે હથેળીની ચામડીને પણ નુકસાન પહોંચ્યું છે. અત્યારે તો કિશોરને રજા આપવામાં આવેલ છે.

Scroll to Top