દિનેશ કાર્તિકે તાજેતરમાં જ 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું છે. હવે આવા જ અન્ય એક ભારતીય દિગ્ગજ ખેલાડીએ 2 વર્ષ બાદ મેદાન પર જોરદાર વાપસી કરી છે. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયાનો મહત્ત્વનો ખેલાડી હતો. આ ખેલાડીએ હાલમાં જ વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો દાવો કર્યો છે.
આ ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી
ભારતીય ટીમમાંથી બહાર રહેલા ટેસ્ટ બેટ્સમેન મુરલી વિજયે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જબરદસ્ત વાપસી કરી છે. તે 2 વર્ષથી મેદાનથી દૂર હતો. તે તમિલનાડુ પ્રીમિયર લીગ 2022 (TNPL)માં ભાગ લઈને મેદાનમાં પાછો ફર્યો છે. લીગની છઠ્ઠી મેચમાં ઇદ્રિયમ તિરુપુર તામિઝાન્સ વિરૂદ્ધ 16 બોલમાં 34 રનની મુરલી વિજયની ઇનિંગે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે. વિજયે પોતાની ઈનિંગમાં 212.50ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 6 ફોર અને 1 સિક્સર પણ ફટકારી હતી.
આ કારણે 2 વર્ષ સુધી ક્રિકેટ નથી રમી
મુરલી વિજયે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમતા પહેલા 2 વર્ષ સુધી મેદાનથી દૂર રહેવાનું કારણ પણ આપ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા મુરલી વિજયે પુનરાગમન અંગે કહ્યું હતું કે, ‘હું રમવા માંગતો હતો, પરંતુ ઈજાને કારણે રમી શક્યો ન હતો. તેમજ મારું અંગત જીવન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું અને હું તેને ધીમું કરવા માંગતો હતો. આ મારું સદ્ભાગ્ય છે કે તમિલનાડુ પ્રીમિયર લીગ મારી સ્થિતિને સમજે છે અને વાપસી માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ટીમ ઈન્ડિયાને વર્ષો સુધી તક ન મળી
મુરલી વિજયે 2008માં ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચ રમી હતી. મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ, 17 વન-ડે અને 9 ટી-20 મેચ રમી છે. આ ટેસ્ટમાં તેણે 38.29ની એવરેજથી 3982 રન, વનડેમાં 21.19ની એવરેજથી 339 રન અને T20માં 18.78ની એવરેજથી 169 રન કર્યા છે. મુરલી વિજયે તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.