ગુજરાતના વડોદરા શહેરમાં રોડની સાઈડ પર ઉભેલી ખાલી બસમાં કથિત રીતે એક 16 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના 2 જાન્યુઆરીની મોડી રાત્રે શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે સગીર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુનામાં તેને મદદ કરનાર તેના બે સાથીઓની શોધ ચાલુ છે.
હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘2 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે, આદિવાસી સમુદાયની એક 16 વર્ષની છોકરીને સગીર મુખ્ય આરોપી અને તેના બે સાથીઓએ બસમાં ખેંચી હતી. ફરાર આરોપીઓએ મુખ્ય આરોપીને યુવતીને બળજબરીથી બસમાં ખેંચવામાં મદદ કરી હતી. બંને બહાર નીકળ્યા અને બસને લોક કરી દીધી અને પછી મુખ્ય આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો.’
અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય આરોપીએ છોકરીને ધમકી આપી હતી કે તે કોઈને કંઈ ન કહે. તેમણે કહ્યું, ‘પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે. તેના બે સાગરિતોની શોધખોળ ચાલુ છે.’ પોલીસે મુખ્ય આરોપીના બે સાથીઓની ઉંમર જાહેર કરી નથી.
ઘટના બાદ પીડિતા તેના સંબંધીઓ સાથે મધ્યપ્રદેશમાં તેના વતન જવા રવાના થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તેના કાકાને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે એફઆઈઆર નોંધવામાં આવી.
પોલીસ અધિકારેએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (એ) (જાતીય સતામણી), 506 (2) (ગુનાહિત ધાકધમકી), અને 114 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.