રસી લીધા પછી જો બાળકને તાવ આવે તો ન આપશો આ ગોળી, વધી શકે છે તકલીફો!

ભારતમાં 3 જાન્યુઆરી 2022થી 15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે કોરોનાને રોકવા માટે કોવિડ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી એ વાલીઓને રાહત મળી છે કે જેઓ કોરોનાથી રક્ષણ માટે બાળકોની રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બાળકોને પહેલી રસી તરીકે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સીન આપવામાં આવી રહી છે. જો કે, જ્યારે પુખ્ત વયના લોકોનું રસીકરણ શરૂ થયું હતું, ત્યારે લગભગ મોટાભાગના લોકોએ રસીકરણ પછી આડઅસર તરીકે તાવ, હાથપગ અને શરીરમાં દુખાવો, નબળાઇ અને થાકનો અનુભવ થયો હતો.

આ કારણે, કેટલાક લોકો રસી લીધા પછી પેરાસિટામોલ અથવા પેઇનકિલર્સ લે છે. ત્યારે હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું રસી લીધા પછી બાળકોને પણ આડઅસરો થશે? જો કે આ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે વેક્સિન લેતા પહેલા કે પછી પેઈનકિલર દવાઓનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દવાઓ રસીની અસરને ઘણી રીતે ઘટાડી શકે છે. હૈદરાબાદ સ્થિત રસી નિર્માતા ભારત બાયોટેકે જણાવ્યું છે કે કિશોરોએ કોવેક્સિન રસી લીધા પછી પેરાસિટામોલ અથવા પેઇનકિલર લેવાનું ટાળવું જોઈએ.

બાળકોમાં કોવેક્સિનની આડઅસરો
પુખ્ત વયના લોકોની જેમ, કિશોરો પણ રસીકરણ પછી કેટલીક આડઅસરોના નાના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે જેમ કે તાવ, માથાનો દુખાવો, ગભરાટ અને ઈન્જેક્શન લીધા પછી દુખાવો, નબળાઇ અને થાક વગેરે. જો હાથમાં દુખાવો ચાલુ રહે છે, તો દુખાવો ઘટાડવા માટે ઈન્જેક્શન સાઇટ પર સ્વચ્છ, ઠંડુ કપડું અથવા બરફ લગાવી શકાય.

આ સિવાય થોડી હળવી કસરત કરવાથી પણ રાહત મળી શકે છે. જોકે, માતા-પિતાએ બાળકના વર્તનમાં ફેરફાર અથવા કેટલાક નવા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય બાળકોને પુષ્કળ પાણી પીવા અને સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે જેમાં શાકભાજી, વિટામિન સીથી ભરપૂર ફળો, હળદર, લસણ વગેરેનો સમાવેશ થાય છે.

આ સાથે 7-8 કલાકની સારી ઊંઘ લેવી જરૂરી છે, જેથી શરીરને આરામ મળે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે, બાળકોએ માસ્ક પહેરવા જોઈએ, હેન્ડ સેનિટાઈઝેશન કરવું જોઈએ અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ.

ભારત બાયોટેકનું સત્તાવાર નિવેદન
ભારતની હૈદરાબાદ સ્થિત રસી નિર્માતા “ભારત બાયોટેક” એ તાજેતરમાં તેનું સત્તાવાર નિવેદન જારી કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે 15 થી 18 વર્ષની વયના કિશોરોએ રસી મેળવ્યા પછી પેરાસિટામોલ અથવા પેઇનકિલર લેવાની જરૂર નથી.

તેઓએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “અમારા ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન, આશરે 30,000 વ્યક્તિઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી આશરે 10 થી 20 ટકા વ્યક્તિઓએ આડઅસરોની જાણ કરી હતી. જો કે, આમાંની મોટાભાગની આડઅસરો હળવી હોય છે અને તે 1-2 દિવસની અંદર સાજા થઈ જાય છે, જેના માટે દવા લેવાની જરૂર નથી.”

પેરાસિટામોલ કે પેઇનકિલર દવાઓ ન લો
વધુમાં એમ પણ કહ્યું હતું કે “અમને ફીડબેક મળ્યો છે કે કેટલાક વેક્સિન કેન્દ્રો કોવેક્સિન રસી બાળકોને આપ્યા પછી 500 મિલિગ્રામ પેરાસિટામોલની ત્રણ ગોળીઓ લેવાનું કહેતા હતા. જ્યારે કે પેરાસિટામોલ લેવાની ભલામણ કોવિડ-19ની અન્ય વેક્સિન સાથે કરવામાં આવી હતી. પરંતુ કોવેક્સીન રસી સાથે તેની ભલામણ કરવામાં આવતી નથી.”

ડૉક્ટરની સલાહ પર દવા લો- નિવેદનમાં વેક્સિન લેતા બાળકોને ડૉક્ટરની સલાહ લીધા પછી જ પેરાસિટામોલ લેવાની ભલામણ કરવામાં આવી છે.

ડોકટરો શું કહે છે
આ અંગે નોઈડાના એક ડોક્ટર કહે છે, “કોરોના રસી લેતા પહેલા અને પછી પ્રોફીલેક્સિસ તરીકે પેરાસિટામોલની ભલામણ કરવામાં આવતી નથી. રસીકરણ પહેલાં અથવા પછી પેઇનકિલર લેવી ન જોઈએ કારણ કે આ દવાઓ રસીના પ્રભાવને ઘટાડી શકે છે. જો કે, રસી લીધા પછી 2-3 દિવસ સુધી તાવ, સ્નાયુમાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક, રસી લીદેહી હોય એ જગ્યાએ દુખાવો થવો સામાન્ય છે. જે સામાન્ય રીતે કોઈપણ દવા વગર જાતે જ ઠીક થઈ જાય છે.”

હા, જો તાવ રહે અથવા વધુ વધે, તો ડૉક્ટરની સલાહ લીધા પછી તમે પેરાસિટામોલ અથવા અન્ય પેઇનકિલર લઈ શકો છો. પણ પેરાસિટામોલ તાવ માટે પ્રોફીલેક્સીસ તરીકે નહીં પરંતુ ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.

Scroll to Top