પકડાઈ જવાના ડરે ઈન્સપેક્ટરે લાંચના 15 લાખ રૂપિયા રાંધણગેસ ચાલુ કરી સળગાવી દીધા

એક તરફ રાજસ્થાનમાં એન્ટી-કરપ્શન બ્યુરો ભ્રષ્ટાચારીઓના નાકમાં દમ લાવવા માટે સક્રીય રહે છે. તો બીજી તરફ તેમનાથી બચવા માટે ભ્રષ્ટાચારીઓ પણ વિવિધ તરકીબો અજમાવતા હોય છે. આવી જ એક નાટકિય ઘટના બુધવારે જોવા મળી છે.

રાજસ્થાનના સિરોહીમાં લાંચમાં લીધેલા રૂપિયા એસીબીના હાથે પકડાઈ જશે તેવા ડરથી એક ઈન્સપેક્ટરે 15 લાખ રૂપિયા સળગાવી દીધા હતા. તેમણે રાંધણગેસ ચાલુ કરીને નોટોના એક પછી એક બંડલ તેના પર મૂકી દીધા હતા.

માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ બધા રૂપિયા લાંચ દ્વારા ભેગા કર્યા હતા અને એસીબીની ટીમે રેડ પાડતા પડકાઈ જવાના ડરથી તેમણે આ રૂપિયા સળગાવીને પુરૂવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યમાં તેમને તેમની પત્નીએ પણ સાથ આપ્યો હતો.

એસીબીની ટીમે બુધવારે સાંજે સિરોહીના ભંવરીમાં મહેસૂલ ઈન્સ્પેક્ટર પરબતસિંહને રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. જોકે, તેમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી.

સરકારી જમીનનું ટેન્ડર પાસ કરવા માટે પિંડવાડાના તલાટીએ કોન્ટ્રાક્ટર પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. સોદો નક્કી થયા બાદ મહેસૂલ ઈન્સપેક્ટર પરબતસિંહ લાંચ પેટે એક લાખ રૂપિયા લેવા માટે પહોંચ્યા હતા. જેને પાલી એસીબી એ ઝડપી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે આ ઘટનાક્રમમાં મહેસૂલ ઈન્સ્પેક્ટરને 3-4 વાગ્યે એસીબી ટીમે પકડ્યા હતા. ત્યારબાદ તેમને સાથે લઈને સાંજે પિંડવાડા તલાટી કચેરીએ પહોંચી હતી. જોકે, તલાટીને ગમે તે રીતે એસીબીની કાર્યવાહીની જાણ થઈ ગઈ હતી. તેઓ પોતાના સરકારી ઘરમાં જતા રહ્યા હતા.

એસીબી તથા સ્થાનિક પોલીસે એક કલાક સુધી મહેનત કરી હતી. તલાટીને બૂમો પાડી હતી પરંતુ તેઓ બહાર આવ્યા ન હતા. જેના કારણે એસીબીની ટીમે દરવાજો તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે દરવાજો તોડીને ટીમ અંદર પહોંચી તો તેમના હોશ ઉડી ગયા હતા.

એસીબી એ અંદર જોયું તો તલાટી કલ્પેશ જૈન ગેસ પર ચલણી નોટો મૂકીને તેને સળગાવી રહ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે તલાટીએ આ દરમિયાન 15 લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી હતી. એસીબીની ટીમે તલાટીના ઘરની અંદર જઈને આગ બૂઝાવી હતી. સાથે જ સળગેલી નોટો મેળવી હી. હાલમાં એસીબી ટીમ કેટલી નોટો સળગી છે તેની તપાસ કરી રહી છે. જ્યારે રેવન્યુ ઈન્સપેક્ટર અને તલાટીને અટકાયતમાં લઈને તેમની પૂછપરછ કરી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top