ઓડિશાના ગંજમ જિલ્લામાં એક ઓટોરિક્ષા ચાલકે ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેણે મહિલા મુસાફરને રૂ. 1.6 લાખની કિંમતનો સોનાનો હાર પરત કર્યો હતો. આ પછી ઓટોરિક્ષા ચાલકની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઓટોરિક્ષા ચલાવતા 35 વર્ષીય પંકજ બેહેરાએ જણાવ્યું કે, વાહનની સફાઈ દરમિયાન તેમને સીટની નીચેથી લગભગ 30 ગ્રામનો સોનાનો હાર મળ્યો હતો.
આ પછી પંકજે તેને પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ઓટો ડ્રાઈવર યુનિયનના કેટલાક સભ્યોની હાજરીમાં ન્યૂ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર મહિલા પેસેન્જરને સોંપી દીધું. જણાવી દઈએ કે ઓટો રિક્ષા ડ્રાઈવર ત્રણ દિવસ પહેલા મહિલા અને તેના પરિવારના સભ્યોને નવા બસ સ્ટેન્ડથી ગોપાલપુર લઈ ગયો હતો.
મુસાફરી દરમિયાન અકસ્માતે સોનાનો હાર ઓટોની સીટ નીચે આવી ગયો હતો. મહિલાને આ વાતની જાણ નહોતી. ઘરે પહોંચ્યા પછી તેણીને ખબર પડી કે હાર તેના પર્સમાં નથી અને તેણે તરત જ ઓટોરિક્ષા ચાલકને ફોન કર્યો હતો. જેમને તે પહેલેથી જ જાણતી હતી. તેણે ઓટોમાં જોયું પણ તે દિવસે ગળાનો હાર મળ્યો ન હતો. ડ્રાઈવરે કહ્યું, “મારી ઓટોરિક્ષા સાફ કરતી વખતે મને હાર મળ્યો છે, મેં પોલીસ અને મહિલાના પરિવારને જાણ કરી દીધી છે.
પોલીસે ડ્રાઈવરની પ્રમાણિકતાની પ્રશંસા કરી હતી. દાગીના પરત મળતા મહિલાએ પણ રાહત અનુભવી હતી. મહિલાએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મને રાતે ઊંઘ આવતી ન હતી. હવે, હું ખૂબ જ ખુશ છું અને ઓટોરિક્ષા ચાલકનો આભાર માનું છું.