જાણો કોણ છે, સૌરાષ્ટ્રના પ્રથમ પદ્મશ્રી મેળવનારા ખેડૂત વલ્લભભાઈ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

જૂનાગઢ જિલ્લાના ખામધ્રોલ ગામના નિવાસી અને 96 વર્ષના ખેડૂત વલ્લ્ભભાઈ વશરામભાઈ મારવણિયાને 11 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમને ગાજરની ખેતીમાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો.

આજથી લગભગ 77 વર્ષ પહેલા 19 વર્ષની ઉંમરે જૂનાગઢના નવાબી રાજ્યમાં જ્યારે ગાજરને માત્ર પશુ આહાર તરીકે ઓળખાતો હતો, તે સમયે મુશ્કેલીઓનો સામનો કરીને વલ્લભભાઈએ ગાજરના ગુણો લોકોને જણાવી તેને ખાવા યોગ્ય બતાવ્યું. માત્ર પાંચમું ધોરણ પાસ વલ્લભભાઈએ સાત દશકા સુધી મહેનત કરીને ગુણવત્તાયુક્ત ગાજર વિકસિત કરવામાં સફળતા મેળવી. આમ તેમણે ખેતીમાં ખાસ યોગદાન આપ્યું છે.

પત્રિકા ન્યૂઝ વેબસાઈટ મુજબ, આઝાદી પહેલા વલ્લભભાઈના પિતા રાજકોટ જિલ્લાના એક ગામમાંથી જૂનાગઢના ખામધ્રોલમાં રહેવા માટે આવ્યા. અહીં તેઓ નાના ખેતરમાં જુવારની ખેતી કરતા હતા. બાદમાં વલ્લભભાઈ પણ ખેતી કરવામાં જોડાયા અને ગાજરની ખેતી શરૂ કરી. પહેલીવાર તેઓ ગાજરની પોટલી લઈને 1943માં જૂનાગઢના નવાબના બજારમાં વેચવા ગયા હતા તો તેમને 12 રૂપિયા મળ્યા હતા. આ બાદ ગાજરને ગુણવત્તાયુક્ત બનાવવા માટે તેમની અથાગ મહેનત અને પરિશ્રમને સફળતા મળી.

જૂનાગઢના રાજદરબારમાં પણ ગાજર વેચનારા વલ્લભભાઈ કહે છે કે 1947માં નવાબનો પરિવાર જૂનાગઢ છોડીને પાકિસ્તાન જતો રહ્યો તો તેમના 42 રૂપિયા લેવાના બાકી રહી ગયા. મધુવન ગાજર વિશે તેમનું કહેવું છે કે ગાજરના છોડ પર મધમાખી વધારે બેસવાના કારણે ગાજરનું નામ મધુવન પડ્યું. તેમનું કહેવું છે કે કડક જમીનમાં ગાજર નાના થાય છે, એવામાં જમીન ખોદીને ગાજરની વાવણી કરી તો લબાઈ અને મિઠાસ વધારે સારી થઈ.

વલ્લભભાઈને ગાજરની ખેતીમાં નવી શોધ કરવા માટે સૃષ્ટિ એવોર્ડ તથા રાષ્ટ્રપતિના હાથે નેશનલ ઈનોવેશન એવોર્ડ મળી ચૂક્યો છે. ખેડૂત તરીકે પદ્મશ્રી મેળવનારા વલ્લભભાઈ જૂનાગઢ જિલ્લાના પ્રથમ ખેડૂત છે. આ પહેલા જૂનાગઢમાં સંગીત અને કળા ક્ષેત્રમાં દિવાળીબેન ભીલ તથા લોક સાહિત્યકાર ભીખૂદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ મળી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here