ચૂંટણી પહેલાં આરપારની લડાઈ! દિલ્હીમાં ગોપાલ ઈટાલિયાની થઈ ધરપકડ

દિલ્હી પોલીસે AAPના ગુજરાત યુનિટ વડા ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે. ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસની કારમાં લઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સ પર તેઓ આયોગની ઓફિસે પહોંચી હતી, જ્યાંથી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. ઈટાલિયાની અટકાયત પર ટિપ્પણી કરતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, જે લોકો ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી રહ્યા છે તેઓને ખબર નથી કે સ્કૂલ કેવી રીતે ચલાવવી. 27 વર્ષમાં પણ શાળાને ઠીક કરી શક્યા નથી, ગોપાલ ઇટાલિયા એ પાર્ટીમાંથી આવે છે જે શાળાઓને સારી બનાવી રહી છે. નોંધનીય છે કે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવેલા ગોપાલ ઈટાલિયાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ તેમને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે.

તેઓએ પોલીસને પણ બોલાવી છે, તેઓ મને ધમકી આપી રહ્યા છે. નેશનલ કમિશન ફોર વુમન ઓફિસ પહોંચીને ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઈટાલિયાએ લખ્યું હતું કે, “રાષ્ટ્રીય મહિલા આયોગના વડા મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ કરવા સિવાય શું કરી શકે? ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું.. હું ડરતો નથી. તમારી જેલથી મને ડર નથી લાગતો, નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસને પણ બોલાવી છે. તેઓ મને ધમકી આપી ર હ્યા છે.”

ઈટાલિયાના ટ્વીટ પર AAP કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, ગોપાલ ઈટાલિયા પાછળ આખું બીજેપી કેમ પડ્યું છે?

આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીના બદમાશો મારી ઓફિસની બહાર હંગામો મચાવી રહ્યા છે.’ આ ટ્વીટમાં રેખા શર્માએ દિલ્હી પોલીસ કમિશનર અને વડાપ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રેખા શર્માએ કહ્યું, “અમે તેમને બોલાવ્યા હતા પરંતુ તેમના આગમન સાથે AAPના ઘણા કાર્યકરો ટોપી અને બેનરો સાથે આવ્યા હતા. આ લોકોએ અમારી ઓફિસના ગેટને ધક્કો મારીને અંદર જવાની કોશિશ કરી, બાદમાં અમે પોલીસને ફોન કરીને તેની જાણ કરી. પોલીસ ન આવી હોત તો તેઓ ગેટ અને બિલ્ડીંગને નુકસાન પહોંચાડી શક્યા હોત.અહી આવ્યા પછી પણ આ લોકો ટ્વીટ કરી રહ્યા છે જેથી લોકો પ્રેરિત થઈને અહી પહોંચીને કાયદો અને વ્યવસ્થા બગાડે છે.

પોલીસને એમ પણ કહ્યું છે કે તેમની સામે પગલાં લેવામાં આવે, તેઓ કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને મારા જીવનું જોખમ હતું. આ 100-150 લોકો ભેગા થયા અને ધમાલ મચાવી રહ્યા હતા. તેઓ કેવા નેતાઓ છે. તેમને જૂઠ બોલવાની શું જરૂર હતી.”

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ભાજપે ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તે PM વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને બીજેપી આમ આદમી પાર્ટી પર હુમલો કરી રહી છે. બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને નોટિસ મોકલીને 13 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ સમગ્ર વિવાદને લઈને ભાજપે અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું છે.

Scroll to Top