ઘાનામાં ફોન રિપેર કરનાર વ્યક્તિને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ખરેખરમાં આ વ્યક્તિએ લેબનોનમાં રહેતી એક મહિલાના નગ્ન ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આરોપીનું નામ સોલોમન ડોગા (22) છે. એડેન્ટા, અકરામાં હાજર કોર્ટે તેને સજા ફટકારી હતી. સોલોમન પર જાતીય છેડતીનો આરોપ હતો.
સ્ટેટ પ્રોસિક્યુટરના ચીફ ઈન્સ્પેક્ટર મેક્સવેલ લેન્યોએ જણાવ્યું હતું કે અકરામાં રહેતી લેબનીઝ મહિલાએ ફોન અનલોક કરવા માટે સોલોમનનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન સોલોમને ગેરકાયદેસર રીતે તેના ખાનગી ફોટા પણ જોયા હતા. જે બાદ તેણે મહિલાને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી સોલોમને મહિલાને ધમકી આપી હતી કે જો તે તેને નિશ્ચિત રકમ નહીં આપે તો તે તેના ફોટા જાહેર કરી દેશે. પરંતુ મહિલાએ તેની વાત ન માની અને તેને બ્લોક કરી દીધો.
સોલોમને અગાઉ ધમકી આપી હતી ત્યારબાદ તેણે મહિલાના ખાનગી અને નગ્ન ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને સજા પણ થઈ છે.
ઘાનામાં બે વર્ષ પહેલા સાયબર સુરક્ષા કાયદો આવ્યો હતો
ઘાનામાં નવો સાયબર સુરક્ષા કાયદો બે વર્ષ પહેલા આવ્યો હતો. જે અંતર્ગત નગ્ન ફોટા પાડીને બ્લેકમેઈલ કરવા બદલ 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.