મોટા નેતા, ઉદ્યોગપતિઓ સામે મારી પાસે પુરાવા હોવાથી મારી હત્યાનું કાવતરું ઘડાયું: નલિન કોટડિયા

પોલીસે ધારીના પૂર્વ ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

અમદાવાદ: કરોડો રૂપિયાના બીટ કોઇન કૌભાંડમાં પકડાયેલા માજી ધારાસભ્ય નલિન કોટડિયાને સીઆઈડી ક્રાઈમે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કોટડિયાએ કોર્ટમાં એવી ફરિયાદ કરી હતી કે, મારી પાસે રાજકીય નેતાઓ અને ઉધોગપતિના પુરાવા છે. જેના કારણે મારી હત્યાનું કાવતરું ઘડાયું હોવાથી 5 મહિનાથી નાસતો ફરતો હતો.

સીઆઇડી ક્રાઇમના એસીપી એ.એ.સૈયદે આરોપી કોટડિયાને એસીબી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોટડિયાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, મારી પાસે શૈલેષ ભટ્ટ અને રાજકીય નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓના પુરાવા હોવાથી મારી હત્યા કરવાનું કાવતરું ઘડાયું હતું. જેથી હું 5 મહિનાથી નાસતો ફરતો હતો. પોલીસે સમય ન આપતા હું વકીલ રાખી શક્યો નથી.

સીઆઇડી ક્રાઇમે આ કેસમાં 14 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે જતીન પટેલ હજુ ફરાર છે. શૈલેષ ભટ્ટનું અપહરણ થયા પહેલા અન્ય આરોપી કિરીટ પાલડિયા અને કેતન પટેલ સાથે ફોન પર વાતો કરી હતી. આરોપી કોટડિયાને મળેલા રૂ.25 લાખ આંગડિયા મારફતે પોતાના સગાને મોકલ્યા હતા. જે રૂપિયા સીઆઇડીએ કબ્જે કર્યા છે. કોટડિયા 2 ફોનનો ઉપયોગ કરતા હતા પરંતુ તેમની ધરપકડ કરી ત્યારે તેમની પાસે એક પણ ફોન નહોતો.

જ્યારે કોટડિયાએ સુરતના સરકિટ હાઉસમાં મિટિંગ કરી શૈલેષ ભટ્ટ તેના ડ્રાઈવર મહીપાલ તથા તેના પાર્ટનર કિરીટ પાલડિયાને ગાંધીનગર સ્થિત નિધિ પેટ્રોલ પંપ પરથી ઉપાડી દહેગામના કેશવ ફાર્મમાં લઈ ગયા હતા. શૈલેષને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 32 કરોડ માંગ્યા હતા.

શૈલેષ ભટ્ટ પાસેથી પડાવેલા બીટકોઈનમાંથી કોટડિયાને રૂ . 66 લાખ મળવાના હતા

શૈલેષનું અપહરણ કરી પડાવાયેલી રકમમાંથી કોટડિયાને રૂ. 66 લાખ મળવાના હતા, તે પૈકી રૂ. 35 લાખ ચૂકવાઈ ગયા હતા. સીઆઈડીએ આ રકમ પૈકી રૂ. 25 લાખ રિકવર કર્યા હતા.સીઆઈડીના સૂત્રોના અનુસાર શૈલેષ ભટ્ટે તેનું તથા તેના ભાગીદાર કિરીટ પાલડિયાનું કારમાં અપરહણ કરી બીટકોઈન પડાવી લેવા મામલે સીઆઈડી ક્રાઈમમાં પોલીસ ફરિયાદ કરી આ સમયે નલિન કોટડિયાનું નામ પણ બહાર આવ્યું હતું.

શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન હોવાની માહિતીના આધારે તેનું અપહરણ કરી પૈસા પડાવવા માટે નલિન કોટડિયાએ અન્ય સહઆરોપીઓ કેતન પટેલ તેમજ કિરીટ પાલડિયા સાથે સુરતમાં સરકિટ હાઉસમાં મિટિંગ કરી હતી અને કાવતરું ઘડી કાઢ્યું હતું. જેના અનુસંધાને કિરીટ પાલડિયાએ અમરેલી પોલીસના એસપી જગદીશ પટેલ, પીઆઈ અનંત પટેલ વગેરેના સહયોગથી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top