લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની અમદાવાદના રાજદ્રોહ કેસમાં જામીન રદ કરવા સરકારે અરજી કરી છે. આ મામલે કોર્ટે આરોપીને નોટિસ જારી કરી આગામી દિવસોમાં સુનાવણી યોજવા આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં સૌથી છેલ્લે સુરતના અલ્પેશ કથીરિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને આરોપીને હાઇકોર્ટે ચોક્કસ શરતોને આધારે જામીન પર મુક્ત કર્યો હતો. પરંતુ શરતોનું પાલન ન થતા સરકારે તેના જામીન રદ કરવા અરજી કરી છે.
પાસના નેતા અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા સ્પે. સરકારી વકીલ અમિત પટેલે કોર્ટમાં અરજી કરી એવી રજૂઆત કરી છે કે, હાઇકોર્ટે આરોપીને રાજદ્રોહ જેવા ગંભીર કેસમાં ચોક્કસ શરતોને આધારે જામીન પર મુક્ત કર્યો હતો. જેમાં જામીન મુક્તિ બાદ તેને દર મહિનાના બીજા સોમવારે 11 થી 2 દરમિયાન હાજરી પુરાવવાની હતી. પરંતુ આરોપી દ્વારા શરતોનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવી રહ્યો છે.
જામીન પર છૂટ્યા બાદ પણ આરોપી સામે પોલીસ કામગીરીમાં દખલગીરી, હુલ્લડ ફેલાવવા સહિતના આવા જ ગુના નોંધાયા છે. આમ આરોપી ગુનો કરવાની ટેવ ધરાવે છે. આમ આરોપીએ કોર્ટની શરતોનું ચુસ્ત પણે પાલન કર્યું નથી તેથી તેના જામીન રદ કરવા જોઇએ.