ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું સૂર્ય મંદિર ભારતની સ્થાપત્ય શૈલીમાં શિલ્પ કલાનું ઉત્તમ અને બેજોડ ઉદાહરણ છે. મોઢેરાના સૂર્યમંદિરે પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ સાથે જ તેમણે પ્રવાસીઓનો મોઢેરામાં ઢગલો થશે તેવી વાત પણ કહી હતી. મોઢેરાના સૂર્યમંદિરના ઇતિહાસ તરફ નજર કરીએ તો સોલંકી વંશમાં ભીમદેવ પ્રથમે વર્ષ 1026-27માં આ મંદિર બંધાવ્યું હતું તેવું જાણવા મળે છે. હાલ આ મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત છે.
સૂર્ય મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય ભાગ છે: ગૃહમંડપ, તીર્થમંડપ, કુંડ. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે. સ્થાપત્યની દૃષ્ટિએ આ મંદિર ગુજરાતમાં સોલંકી શૈલીમાં બનેલા મંદિરમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરી આખો શો નિહાળ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.