ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મિની હરાજી આજે (23 ડિસેમ્બર) બપોરે 2.30 વાગ્યે કોચીમાં શરૂ થવા જઈ રહી છે. આ હરાજી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ટીમોને મેઈલ દ્વારા એક મોટી માહિતી આપી છે. BCCIએ હરાજી પહેલા એવા 5 ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે, જેમના પર IPL 2023 પહેલા પ્રતિબંધ લાગી શકે છે. આઈપીએલની હરાજી પહેલા આવેલા આ સમાચારે તમામ ફ્રેન્ચાઈઝીની ચિંતા વધારી દીધી છે.
આ 5 ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે
હરાજી પહેલા, BCCIએ તમામ ફ્રેન્ચાઇઝીઓને ખેલાડીઓની ઉપલબ્ધતા પર એક મોટું અપડેટ આપ્યું છે અને 5 ખેલાડીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે જેમના પર પ્રતિબંધ લાગી શકે છે. આ પાંચ ખેલાડીઓ શંકાસ્પદ બોલિંગ એક્શનના વર્તુળમાં છે અને BCCI તેમના પર નજર રાખી રહ્યું છે. આ તમામને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ પાંચ ખેલાડીઓ મુંબઈના તનુષ કોટિયન, રોહન કુન્નુમલ (કેરળ), અપૂર્વ વાનખેડે (વિદર્ભ), ચિરાગ ગાંધી (ગુજરાત) અને રામકૃષ્ણ ઘોષ (મહારાષ્ટ્ર) છે.
બધાની નજર તનુષ કોટિયન પર હતી
આ પાંચ ખેલાડીઓમાં તનુષ કોટિયન એક મોટું નામ છે. તાજેતરની રણજી ટ્રોફી મેચમાં મુંબઈને હૈદરાબાદ સામે જીત અપાવવામાં ઑફ-સ્પિનર તનુષ કોટિયને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તનુષ કોટિયાને આ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે હરાજીમાં ઘણી ટીમો આ ખેલાડી પર સટ્ટો રમી શકે છે.
આ ખેલાડીઓ પર પહેલેથી જ પ્રતિબંધ છે
IPLમાં પહેલીવાર શંકાસ્પદ બોલિંગ એક્શન સામે આવી નથી. આ પહેલા પણ 4 ખેલાડીઓ પર શંકાસ્પદ બોલિંગ એક્શનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. IPLમાં કર્ણાટકના મનીષ પાંડે, MCAના અરમાન જાફર, બંગાળના ચેટર્જી અને મહારાષ્ટ્રના અઝીમ કાઝીની બોલિંગ પર પહેલેથી જ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખૂબ જ સમજી વિચારીને આ હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવવો પડશે.