મારુતિ-સુઝુકી હાલના દિવસોમાં એકથી વધુ કાર લોન્ચ કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં નવી બ્રેઝાથી લઈને ગ્રાન્ડ વિટારા સુધીનું ઘણું વેચાણ થયું છે. કંપની SUV સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મારુતિ આજે શાનદાર ફીચર્સથી સજ્જ કાર વેચી રહી છે. દેશમાં તેના લાખો ગ્રાહકો છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં મારુતિની પ્રથમ કારનો પ્રથમ ગ્રાહક કોણ હતો? મારુતિની પ્રથમ કાર મારુતિ-800 ના પ્રથમ ખરીદનાર કોણ?
પ્રથમ ખરીદનાર કોણ હતો?
નવી દિલ્હીના રહેવાસી હરપાલ સિંહ મારુતિ સુઝુકીના હરિયાણા પ્લાન્ટમાંથી નીકળેલી પ્રથમ 800 કારના ખરીદનાર હતા. દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પોતાના હાથે કારની ચાવી આપી હતી. મારુતિની પહેલી કાર 800 2010માં તેમના મૃત્યુ સુધી હરપાલ સિંહ પાસે હતી. આ કારનો રજીસ્ટ્રેશન નંબર DIA 6479 હતો. હવે મારુતિના આ પ્રથમ યુનિટને કંપનીના હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે રાખવામાં આવ્યું છે.
મારુતિની પ્રથમ કારની કિંમત
મારુતિની પહેલી કાર વર્ષ 1983માં લૉન્ચ થઈ હતી. મારુતિ-800 રૂ 47,500ની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. તેનું પ્રથમ યુનિટ હરિયાણામાં મારુતિ ઉદ્યોગ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું. તે હવે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ તરીકે પણ ઓળખાય છે. મારુતિની આ કાર વર્ષ 2004 સુધી ભારતમાં સૌથી વધુ વેચાતી કાર હતી. જોકે, મારુતિ અલ્ટોને લોકપ્રિય બનાવવા માટે કંપનીએ 2010માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.
કાર ચાલતી હાલતમાં નહોતી
સ્વર્ગસ્થ હરપાલ સિંહની મારુતિ-800 કાર સાવ સડેલી હાલતમાં હતી. આ કારની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર મુકવામાં આવી હતી. આ પછી કંપનીએ કારને રિસ્ટોર કરવાનો નિર્ણય કર્યો. કંપનીએ કારના તમામ મૂળ સ્પેરપાર્ટ્સ અને સાધનોને ફરીથી એસેમ્બલ કર્યા હતા. જો કે, આ કાર હવે દિલ્હીના રસ્તાઓ પર દોડવા સક્ષમ ન હતી. આથી કંપનીએ ભારતમાં તેની પ્રથમ સક્સેસ સ્ટોરી તરીકે કારને તેના હેડક્વાર્ટરમાં પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે.
મારુતિ 800નું એન્જિન કેવું હતું?
હેચબેક મારુતિ-800ની મૂળભૂત ડિઝાઇન સુઝુકી ફ્રન્ટ SS80 પર આધારિત હતી. તેની પ્રથમ બેચ કમ્પલીટલી નોક ડાઉન (CKD) કીટ તરીકે આયાત કરવામાં આવી હતી. આ મૉડલ 796cc, ત્રણ-સિલિન્ડર F8D પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હતું જે મહત્તમ પાવર 35 BHP ઉત્પન્ન કરે છે. હાલમાં આ એન્જિન અલ્ટો અને ઓમ્ની જેવી કારમાં જોવા મળી શકે છે. જોકે, કંપનીએ તેને અપગ્રેડ પણ કર્યું છે.