ગુજકાતમાં કોરોના મહામારીએ માણસજાત પર કહેર વર્તાવ્યો હતો અને ઘણા લોકોના આ વાયરસે જીવ લીધા હતા ત્યારે હવે મુંગા પશુઓ પર પણ એક વાયરસે કહેર વર્તાવ્યો છે. જેના કારણે ગુજરાતમાં હજારોની સંખ્યામાં પશુધનના મોત થઇ રહ્યા છે. રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારોની સંખ્યામાં પશુઓના મોત થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ પશુધનને બચાવવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ કરી રહી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓ ટપોટપ મરી રહ્યા છે. ત્યારે કચ્છના ભૂજના નાગોર ડમ્પિંગ સાઈટ પર પશુઓના મોત વાયરસથી ન થવાનો ખુલાસો થયો છે. તો જામનગરમાં લમ્પીનું સંક્રમણ ફેલાતું અટકાવવા રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. આ તરફ પાટણમાં લમ્પીને પગલે વારાહી ગૌશાળાના સંચાલકોએ નવા પશુઓ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. તો હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં શંકાસ્પદ લમ્પીગ્રસ્ત ગાય જોવા મળી. બીજી તરફ વિરમગામમાં પણ લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.
કચ્છ-સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ગાયોમાં લમ્પી વાઈરસના વિષાણુંઓની અસર જોવા મળી રહી છે. લમ્પી વાઈરસના ચેપનો શિકાર બનેલી ગાયના શરીર પર કાળાં રંગની મોટી મોટી ગાંઠ ઉપસી આવે છે. આ ગાંઠ કરનારા વાઈરસના પ્રકોપની અસર હેઠળ નબળી પડીને મૃત્યુ પણ પામતી હોવાના કિસ્સા બને છે.
લમ્પી વાઈરસના ખોફના કારણે ચામડિયાઓ પણ મૃત ગાયને લઈ જવાનું પસંદ કરતાં નથી. પરિણામે ગાયના મૃતદેહ ગમે ત્યાં રખડતા જોવા મળી રહ્યા છે. કારણ કે તેમનો અગ્નિદાહ કરાતો નથી. તે ખર્ચાળ પણ સાબિત થાય છે. તેથી લમ્પી વાઈરસના ચેપથી મૃત્યુ પામેલી ગાયને ઊંડા ખાડામાં દફનાવી દેવાની સલાહ આપવામાં આવી રહી છે.
જોકે રાજ્યમાં ઘણા સ્થળો એ મૃત ગાયોનો ઢગલો થઇ ગયો છે અને લોકો તેની આસપાસ પણ જઇ રહ્યા નથી સાથે જ સરકાર આ મામલે રસીકરણ પર જોર આપી રહી છે અને પશુધનને બચાવવાના અનેક પ્રયાસો કરી રહી છે. ત્યાં જ ગાંધીનગરમાં પશુપાલકોને તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 કાર્યરત કરાયો છે.
રાજ્યમાં આ રોગનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્ય સચિવ દ્રારા સતત મોનીટરીંગ કરીને રોજબરોજ સમીક્ષા પણ કરવામાં આવે છે.