Whatsapp તેના વપરાશકર્તાઓના અનુભવને સારો બનાવવા માટે ઘણી નવી સુવિધાઓ પર કામ કરી રહી છે, જેમાં કેમેરા સેટિંગ્સમાં સુધારો કરવો, બેકગ્રાઉન્ડ વૉઇસ નોટ પ્લે કરવી. હવે કંપની નવા અપડેટમાં ડ્રોઈંગ ટૂલ લાવી રહી છે. તેમાં એક નવું પેન્સિલ આઈકોન હશે, જેથી તેને ફોરવર્ડ કરતા પહેલા ઈમેજ અને વીડિયો પર કંઈક બનાવી શકાય. જો કે વોટ્સએપમાં પેન્સિલ ફીચર પહેલેથી જ છે, પરંતુ નવું અપડેટ આવ્યા બાદ યુઝર્સને જાડી અને પાતળી પેન્સિલ મળશે, જે ડ્રોઈંગનો અનુભવ બદલી નાખશે.
આ સિવાય આગામી સમયમાં બ્લર ઈમેજ ટૂલ પણ ઉપલબ્ધ થશે. આ ફીચર વોટ્સએપ બીટા એન્ડ્રોઇડ 2.22.3.5 અપડેટમાં જોવામાં આવ્યું છે, પરંતુ ડિફોલ્ટ રૂપે તેને અક્ષમ કરવામાં આવ્યું હતું. આ સુવિધા હજુ વિકાસના તબક્કામાં છે અને ટૂંક સમયમાં બીટા ટેસ્ટર્સને ઓફર કરવામાં આવી શકે છે.
આ સિવાય વોટ્સએપના ડેસ્કટોપ યુઝર્સને નવો ચેટ બબલ કલર મળશે, જેથી યુઝર્સને ડાર્ક મોડનો ઉપયોગ કરતી વખતે નવો ડાર્ક બ્લુ કલર મળશે. આ અપડેટ Windows અને macOS એપ્સ માટે આવશે, જે WhatsApp Beta Desktop 2.2201.2.0 અપડેટમાં ચેટ બબલને લીલો કરી દેશે. ચેટ બાર અને બેકગ્રાઉન્ડનો રંગ પણ બદલાશે.
બીજા અપડેટમાં, WhatsAppના iOS યુઝર્સને નોટિફિકેશન સેટિંગ મેનેજ કરવાનો વિકલ્પ પણ મળશે, જેનાથી તેઓ સેટ કરી શકશે કે કઈ ચેટ કે ગ્રુપ ચેટ નોટિફિકેશન મેળવવાના છે અને નોટિફિકેશન સાઉન્ડ પણ મેનેજ કરવામાં આવશે.
આ સાથે WhatsApp પર એક મેસેજ રિએક્શન ટેબ પણ ઉપલબ્ધ હશે, જેમાં યુઝર્સ જોઈ શકશે કે કોણે કયા મેસેજ પર રિએક્શન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપની લાંબા સમયથી આ મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સ મેસેજ પર રિએક્શન આપી શકશે. તે એ જ રીતે કામ કરશે જે રીતે યુઝર્સ ફેસબુક મેસેન્જર અથવા ઇન્સ્ટાગ્રામ પર કરતા હોય છે.