TikTok પર વિડીયો બનાવ્યા બાદ વિવાદમાં આવેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરીથી વિવાદોમાં આવી ગઈ છે. તેના પાછળ કારણ તેમનો વધુ એક વિડીયો બન્યો છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થવા લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ વિડીયો અર્પિતા ચૌધરી દ્વારા ચાલુ ફરજ દરમિયાન બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ વિવાદના કારણે અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી. તેમ છતાં ત્યારબાદ તે સ્ટાર થઈને ઉભરી આવી હતી. તાજેતરમાં તેમનો વિડીયો એક વાયરલ થયો છે તે બોલીવુડનું સોંગ ‘યે કાતિલ અદાએ….’ પર બનાવવામાં આવ્યો છે. તેને તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ફરજ બજાવતા દરમિયાન મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેના કારણે તે ફરીથીઈ વિવાદમાં આવી ગઈ છે. તેમ છતાં આ અંગે તેણીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને જણાવ્યું હતું કે, તેને ફરજ દરમિયાન કોઈ પણ વિડીયો બનાવ્યાં નથી. જેથી હવે આ સમગ્ર મામલે એડિશ્નલ કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા છે.
જ્યારે આ અગાઉ પણ અર્પિતા ચૌધરીને પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના કારણે વિવાદમાં આવી ગઈ હતી. જેના કારણે પોલીસ વિભાગ દ્વારા તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ હતી. તેની સાથે જ તેના દ્વારા મીડિયા સમક્ષ એવું પણ નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે, તે હવે આવી કોઈ ભૂલ કરશે નહીં. તેમ છતાં હવે ફરીથી એક વખત નિયમો નેવે મુકતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ બાબતમાં બહુચરાજીના સરપંચ દેવાંગ પંડ્યા દ્વારા જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અર્પિતા ચૌધરીના વિડીયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલ છે.
જ્યારે માતા ના મંદિરની ગરીમા સાચવવી એ દરેક નાગરિકની ફરજ રહેલ છે, પરંતુ થોડા સમય પહેલા બહુચરાજી મંદિરમાં ડ્યૂટી પર મુકાયેલ મહિલા કોન્સ્ટેબલ દ્વારા લાખો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કરવામાં આવેલ છે. જેમાં પોલીસે વર્દીમાં જ બોલીવુડ ગીતો ઉપર વિવિધ રિલ્સ બનાવ્યા બાદ પોતાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મૂકવામાં આવે છે. જેના કારણે આ બાબતમાં કડક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે.