સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિરીક્ષણમાં નોંધ્યુ કે , હવે સમય પાકી ગયો છે કે, દેશની સંસંદમાંથી ગુનેગારોને દૂર કરવામાં આવે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું કે, સંસંદે એક કાયદો પસાર કરીને ગુનેગાર નેતાઓને સંસંદમાં આવતા રોકવા જોઇએ.
સુપ્રિમ કોર્ટમાં કેટલીક અરજીઓ કરવામાં આવી છે. જેમાં માંગણી કરવામાં આવી હતી કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓને સંસંદની ચૂંટણી લડવામાંથી બાકાત રાખવા જોઇએ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તો તેઓ કસુરવાર થાય તો તેમને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ આ કેસનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, અમે એ સ્થિતિનાં નથી કે, કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર સામે ચાર્જશીટ ફાઇલ તો તેની ઉમેદવારી રદ થાય એ વાત ઉમેરી શકીએ તેમ નથી. પણ સંસંદે કાયદો ઘડવો જોઇએ કે, ગુનેગારો સંસંદમાં ન આવે અને કાયદો બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગ ન લે.

રાજકારણને ગુનેગારોથી મુક્ત કરવા માટે કેટલાક લોકોએ સુપ્રિમ કોર્ટમાં પિટીશન્સ કરી છે અને માંગણી કરી કે, જે ઉમેદવારો સામે ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયેલા છે તેમને ચૂંટણી લડવા દેવામાં ન આવે. ભલે તેમને સજા નથી મળી, તો પણ તેમને ચૂંટણી લડવા દેવામાં ન આવે.
આ પહેલા, આ પ્રકારની પિટીશનની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ કે, રાજકારણમાં વધી રહેલી ગુનાખોરીને ગંભીર છે અને કેન્દ્રિય ચૂંટણી પંચને કહેશે કે, તેઓ રાજકીય પક્ષોને કહે કે, તેમના ઉમેદવારે સામે જે ગુનાઓ નોંધાયા છે તે જાહેર કરે. જેથી મતદારો તે જાણી શકે.