અમદાવાદના રાણીપમાં કોમ્પ્લેક્સ સીલ કરતા વેપારીઓએ ભીખ માગીને નોંધાવ્યો અનોખો વિરોધ

અમદાવાદમાં AMC દ્વારા બીયુ પરમિશન વગરની બિલ્ડિંગ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. AMC દ્વારા બીયુ પરમિશન વગરની બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતમાં રાણીપના વેપારીઓ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

અમદાવાદના રાણીપમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સને બિયુ પરમિશન ના હોવાના કારણે AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જેનાથી કોમ્પલેક્સના વેપારીઓએ હાથમાં વાટકા લઇને AMC સામે દુકાનોના સીલ ખોલવાની ભીખ માંગીને અનોખો વિરોધ દેખાડ્યો છે. જ્યારે 27 વર્ષ જૂના મારુતિ કોમ્પલેક્સમાં 150 જેટલી દુકાનો રહેલી છે. વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના કારણે એક તો અત્યારે ધંધા ઓછા થઈ ગયા છે. જ્યારે થોડાક સમયથી કોરોનાના કેસો ઘટતા થોડી રાહત જરૂર થઈ છે અને હવે કોર્પોરેશન દ્વારા દુકાનો સીલ કરી દેવામાં આવી છે. જેના કારણે અમારે ભીખ માગવાના વારો આવશે. જેના કારણે અમે આ રીતે વિરોધ દર્શાવી રહ્યા છીએ.

હાઇકોર્ટના કહ્યા બાદ 31 મેથી AMC એ બીયુ પરવાનગી ના હોય તે કોમ્પલેક્સ સીલ કરવાના શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધી બીયુ પરમિશન વગરના અંદાજે 2400 થી વધુ યુનિટને સીલ કરવામાં આવ્યા છે. આ સિવાય મારૂતી કોમ્પલેક્સના વેપારી હર્ષદ સોનીએ જણાવ્યું છે કે, અમારૂ કોમ્પલેક્સ 27 વર્ષ જૂનું છે, એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ નોટિસ ફટકારવામાં આવી નહોતી. અધિકારીઓને અમે નોટિસ વિશે પૂછ્યુ તો અમને કહેવામાં આવ્યુ હતું કે એમને ન્યૂઝ પેપર દ્વારા નોટિસ ફટકારી હતી, પરંતુ અમારા ધ્યાનમાં નોટિસ આવી નહોતી.

આ બાબતમાં વધુ એક વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાને કારણે વેપાર ધંધા આમ પણ બંધ હતા, હવે થોડી હળવાશ થઈ તો કોર્પોરેશન દ્વારા કોમ્પલેક્સને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આમ ને આમ ચાલતું રહ્યું તો એક દિવસ અમારે ભીખ માંગવાનો વારો આવશે. અમારી AMC વિનંતી છે કે, અમારી દુકાનો ખોલી આપો, આ અંગે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માટે અમે તૈયાર છીએ.

Scroll to Top