કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરી રહેલા ‘આપ’ના નેતા સહિત 3 યુવાનનું કાર અકસ્માતમાં ઘટનાસ્થળે મોત

આજે વહેલી સવારે વડોદરા નેશનલ હાઇવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં ‘આપ’ના નેતા સહિત 3 યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જે વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે સવારે કાર અને ટ્રક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં ત્રણ યુવાનનાં સ્થળ પર જ મોત થયા હતા.

જો કે આ ‘આપ’ના નેતા સહિત 3 યુવાનો કારમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહ્યા હતા, ત્યારે કાર ચાલકને વહેલી સવારે ઝોકું આવી જતાં તેને ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં આવી ગઈ હતી અને ત્યાંથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે આ ત્રણે લોકોનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ થયેલ મોતમાં ત્રણ યુવાનો પૈકી એક ‘આપ’ પાર્ટીનો નેતા છે. જે સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરીને સુરત પાછો આવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ આ ત્રણ યુવાનો પૈકી સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા આમ આદમી પાર્ટીના નેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામમાં રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) જે સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત આવી રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા મોતને ભેટ્યા છે. જો કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં મૃતદેહ ફસાઈ જતાં ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. અને 108 એમ્બ્યુલન્સમાં તેમને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં ત્યાંના આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આ અકસ્માતની ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો જેના કારણે વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તરત જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસે યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને જાણ કરતા કરતા તેઓ વડોદરા દોડી આવ્યાં હતાં.

Scroll to Top