સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રીના અંદાજે ત્રણ વાગ્યાની આજુબાજુ ભયંકર અકસ્માત થયો છે. જેમાં રોડની બાજુમાં ઝૂંપડું બાંધીને સુઈ રહેલા પરિવાર પર બેકાબૂ ટ્રક ચડી જતા આઠ લોકોનાં કરુણ મોત થયા છે. તેની સાથે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે અને 12 લોકોને નાની મોટી ઇજા થયેલી છે. અત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ટ્રક મહુવા બાજુ જઇ રહી હતો ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક વળાંક પર નીચે ઉતરી ગઈ હતો. જેના કારણે ટ્રક ઝૂંપડાઓ પર ફરી વળી હતી. ત્યાર બાદ આ ટ્રક ખાડામાં ઉતરી ગઈ હતો. આ અકસ્માતમાં ઝૂંપડામાં સુતેલા આઠ લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવી દીધો છે જ્યારે 2 થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
તેની સાથે 12 લોકોને નાની મોટી ઇજા પણ થઇ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલીમાં થયેલા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રુપાણીએ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી હું શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ અપાઈ છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરશે.