જેતપુરના પેઢલા ગામે ગોડાઉનમાં થયેલા મગફળી કૌભાંડમાં પોલીસ દ્વારા ધરપકડ કરેલાઓની પૂછપરછ ચાલું છે. કૌભાંડમાં ટ્રક ડ્રાઇવરો અને મજૂરોનું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, માળિયાહાટીનાથી ધૂળ, કાંકરા અને માટીના ઢેફા ભરીને 4 ટ્રકો લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપુરના સાડીના બે ગોડાઉનમાં ભેળસેળ કરવામાં આવી હતી.
જેતપુરના વેપારીએ જ મગફળીમાં ભેળસેળ કરાવી હોવાનું મજૂરોએ કબુલ્યું હતું. મજૂરોએ જણાવ્યા મુજબ જેતપુરમાં અલંકાર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતો વિશાલ સખરેલીયા નામનો વેપારી કેશોદના ઓઈલ મીલર રાજેશ વડાલીયાને સારી મગફળી આપી દેતો હતો. સામે ઓઈલ મીલર રાજેશ ખરાબ મગફળી મોકલતો અને તેમાં અમે ધૂળ અને કાંકરા ભેળવીને બારદાનમાં ભરી દેતાં.
પોલીસે આ અંગે પણ ટ્રક ચાલકોની પૂછપરછ કરી દસ્તાવેજો પણ ચકાસતા વિશાલ અને રાજેશની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલંકાર ટ્રેડર્સમાં તપાસ કરતાં બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ વધારવા બન્નેના રિમાન્ડ માગ્યા હતા જે 9 દિવસના મંજૂર થયા છે. તેમજ ગુજકોટના સુધીર મલ્હોત્રાની પૂછપરછ કરતા મગન ઝાલાવડિયાને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું.
ભાયાવદરમાં પાટીદારોએ કૌભાંડમાં સંડોયવાયેલા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કરી માંગ
ભાયાવદરમાં મગફળી કૌભાંડ મામલે પાટીદારોએ ઠરાવ કર્યો હતો. જેમાં આગામી તા.25 ઓગસ્ટના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ટેકામાં મળેલી પાટીદારોની મિટિંગમાં મગફળી કાંડ ગુંજ્યો હતો. પાસની મિટિંગમાં કરોડોના મગફળી કૌભાંડ મામલે યોગ્ય તપાસની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
પાસ દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં વિપક્ષના નેતાઓને સાથે રાખીને ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચીને કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને રાજ્યપાલને સંબોધીને લખેલા પત્રમાં મગફળી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની પાટીદારોએ માંગ કરી હતી.
આ પહેલા મગફળી કૌભાંડની ઓડિયો ક્લિપ વાયરલ થય હતી
ઓડિયોક્લિપમાં થતી વાતચીત
મગનભાઇ: માનસિંગભાઈ હવે જો સમાધાનમાં જો કંઈ ગણિત હોય તો મે નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં, અમે પુરૂ કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે.
માનસિંગભાઇ: નાફેડમાં મે ફોન કર્યો ત્યારે મને એવું કહ્યું કે, અમને કંઈ ખબર જ નથી.
મગનભાઇ: આ રોહિત અહીં ફોન પર ફોન કરી ઠેકડા મારે છે. એને બધાને ન ખબર હોય તેના બોસને જ ખબર હોય ને… પેલા તો તમે મંડળીવાળા મુલુભાઈ સાથે વાત કરી લ્યો અને તેને પૂછો કે જો તમે સમાધાન માટે તૈયાર હો તો હું બધો રસ્તો કાઢી લવ.
માનસિંગભાઇ: એની સાથે વાત થઇ કાલે વિકાસ કમિશનરમાં મારે તારીખ છે એ પતાવીને અમે બંને તમારી પાસે આવીશું.
મગનભાઇ: મારી પાસે આવવા કરતા પેલા તમે ઉપરથી પ્રેશર બંધ કરાવી દો. હું બે દિવસ ગોડાઉન ખોલીશ જ નહીં. કેમ કે GSW વાળાને પણ કહી દીધું છે કે ગમે તેની ડિલિવરી હોય તમે ગોડાઉન ન ખોલતા નહીં તો પ્રેસ-મિડિયા અને પોલીસવાળા પહોંચી જાશે. બાકી મને પણ પ્રેસવાળાનો ફોન આવે તો હું એમ જ કહું છું કે એક-બે બોરી એવી કોઇએ મૂકી દીધી હોય તો કેમ નક્કી થાય. આ અમારૂ કામ છે અમે જોઈ લેશું.
માનસિંગભાઇ: મુલુભાઈને કહી દવ કે કાલે ફળદુ સાહેબ પાસે આવી જાય
મગનભાઇ: હા એને કહો ફળદુ સાહેબને કહી દે આ ખરાબ મગફળી મારી એટલે કંઇ ન થાય.
ઓડિયો ક્લિપના વધુ અંશોમગનભાઈ કહે છે કે સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું, ચિંતા નથી કંઇ, તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે પણ નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું મને ઝાડા-ઉલ્ટી છે. તબિયત બરોબર નથી. બે દિવસ આપો રસ્તો કરી લેશું. ત્રીજી ઓડિયોક્લિપમાં મગનભાઈ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મુક્યો હજી. ગમે તેમ કરીને કલેક્ટરને રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો.
પોલીસે મગન ઝાલાવડિયાના ઘરે પાડ્યા દરોડા
મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડિયાના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મગનનું ઘર તરઘડી ગામે આવેલું છે. પોલીસ દ્વારા મગન ઝાલાવડિયાના ઘરે દસ્તાવેજોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 2 કલાક સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. ડીવાયએસપી સહિતના અધિકારીઓ દરોડામાં જોડાયા છે.
વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ લગાવ્યા આરોપ
વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે ગામમાં માટી ભરેલા ટેમ્પા પકડ્યા હતા, તમામ સેન્ટર પર ખેડૂતો પહોંચ્યા પણ ત્યાં ખેડૂતોની મગફળી સ્વીકારવામાં જ નહિ આવી. બધા સેન્ટરો પર માત્ર બીજેપીના મળતિયાઓની જ મગફળી સ્વીકારવામાં આવી, મગફળી સાથે આગની તમામ ઘટનાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું, વિધાનસભામાં પણ અમારા દ્વારા કૌભાંડ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તમામ મગફળીની બોરી પર લખાણ લખવામાં આવેલું છે કે બોરી ક્યાંની છે ? સીઆઇડી ક્રાઇમ દ્વારા આગના બનાવોમાં અવળી તપાસ કરવામાં આવી.
હજીસુધી ખબર નથી પડતી કે શા માટે સરકાર દ્વારા મીડિયાને સાથે રાખીને ગોડાઉન ખોલવામાં નથી આવતા. યોગ્યતા વગરની મંડળીઓને મગફળી લેવા માટેની પરમિશન આપવામાં આવી. સરકાર પગલાં લેવાના નિવેદનો કરે છે પરંતુ તપાસ કરતા જ નથી.
આ પહેલા પણ મગફળીમાં માટી સહિતના કૌભાંડ રાજકોટ જિલ્લામાં બહાર આવ્યા હતા. જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં નાફેડના ચેરમેન વાધજી બોડા એ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. વધુ એક કૌભાંડમાં નાફેડ ફરિયાદી બન્યું ન હતું અને નાફેડ અને ભાજપ સરકાર આમને-સામને આવી હતી.
મગફળી સળગી હતી ત્યારે પણ નાફેડના બદલે મગન ઝાલાવાડિયે ફરિયાદ કરી હતી. જો કે, નાફેડના ચેરમેન વાધજી બોડાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, હજૂ તો ઘણુ બહાર આવશે. નાફેડ પાસે કોઇ સત્તા નથી. ગુણવતાના સર્ટિફિકેટ અમે ક્યાં આપ્યા છે, તો અમે કઇ રીતે ફરિયાદી બનીએ તેવા કટાક્ષ કર્યા હતા.
જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અલગ અલગ 6 ટીમ બનાવી કરવામાં આવશે તપાસ.દરેક ટીમમાં 1 નાયબ મામલતદાર, 2 પોલીસ અને 2 મજૂર નો સમાવેશ કરવામાં આવ્યો મગફળી ના દરેક કેરેટ માંથી રેન્ડમ 10 જેટલી બોરી ખોલી ચેકીંદ કરવામાં આવશે.
બોરીમાં કેટલા પ્રમાણમા માટી ભેળવવામાં આવે છે તે અંગે તપાસ કરવામાં આવશે. આવતીકાલ સવાર સુધીમાં તમામ ગણતરી કરી લેવામાં આવશે. કોના દ્વારા ભેળસેળ કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવશે. ગોડાઉનની અંદર ભેળસેળ થઇ કે ખરીદ ક્ષેત્રમાંથી તે અંગે તેમજ જૂનાગઢના મોટી ધણેજ સહકારી મંડળીમાં પણ તપાસ કરવામાં આવશે.
કૌભાંડ કોના ઇશારે થયું? પોલીસ હજુ સુધી બહાર લાવી શકી નથી
મગફળી કૌભાંડ અંગે ગત તા.1ના ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. અઠવાડિયામાં 29 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુખ્ય કાવતરાખોર તરીકે મગન ઝાલાવડિયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર કૌભાંડ કોના ઇશારે થયું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડ આચરી શકે તેવી શક્યતા દેખાતી નથી.