રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સ્પષ્ટતા- માત્ર એક જ શરતે યુક્રેન પરના હુમલા રોકાઇ શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનું શું પરિણામ આવશે. તેના વિશે વિચારીને આખી દુનિયા ડરી ગઈ છે. દરમિયાન, યુદ્ધના 11માં દિવસે, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી.

એર્દોગને પુતિન સાથે 1 કલાક સુધી વાતચીત કરી
તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં એર્દોગને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલા ફોન કોલમાં એર્દોઆને કહ્યું કે યુક્રેનમાં માનવીય સંકટને જોતા રશિયાએ થોડા સમય માટે યુદ્ધ બંધ કરવું જોઈએ. એર્દોઆને અપીલ કરી હતી કે સંઘર્ષના ઉકેલ માટે યુદ્ધને બદલે રાજકીય ઉકેલ શોધવો જોઈએ.

માનવતાવાદી કોરિડોર બનાવવા પર ભાર
રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે યુદ્ધથી પ્રભાવિત લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે માનવતાવાદી કોરિડોર બનાવવાની જરૂર છે. આ સાથે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે શાંતિ સમજૂતી પણ થવી જોઈએ.

મધ્યસ્થી બનવાની ઓફર કરી
તુર્કીના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો છે. યુદ્ધ સમયની આ પરિસ્થિતિમાં તે મધ્યસ્થી બનીને શાંતિ સ્થાપવાનો શ્રેય લેવા માંગે છે. તેમણે બંને દેશોના પ્રતિનિધિઓને આવતા અઠવાડિયે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. વાતચીત દરમિયાન એર્દોઆને પુતિનને કહ્યું કે તેઓ આ સંકટને સમાપ્ત કરવા માટે તેમની તરફથી તમામ શક્ય મદદ આપવા તૈયાર છે.

પુતિને પોતાની શરતો જણાવી
આ વાતચીત દરમિયાન પુતિને તેમને યુદ્ધવિરામ માટે રશિયાની શરતો જણાવી. પુતિને કહ્યું કે જો યુક્રેન તેની સૈન્ય કાર્યવાહી બંધ કરે અને રશિયાની માંગણીઓ સ્વીકારે તો જ તેમનું સૈન્ય ઓપરેશન સ્થગિત કરી શકાય. તેમણે કહ્યું કે જ્યાં સુધી યુક્રેન આ શરતોનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય. પુતિને સ્પષ્ટપણે કહ્યું કે રશિયા તેના લક્ષ્યો હાંસલ કરતા પહેલા અટકવાનું નથી.

Scroll to Top