અઢી વર્ષની કર્ણવી પણ હોમાઈ ગઇ, 22 વર્ષીય બહેનપણી ગ્રીષ્માની આંગળી પકડીને ગઈ હતી

અઢી વર્ષની કર્ણવી પણ હોમાઈ ગઇ, 22 વર્ષીય બહેનપણી ગ્રીષ્માની આંગળી પકડીને ગઈ હતી 22 વર્ષીય બહેનપણીએ કહ્યું, અંકલ મારો છેલ્લો દિવસ છે, હું કર્ણવીને લઈ જાવ છુંનાની બહેનપણીને સાથે લઈ ગયેલી 22 વર્ષની યુવતી પણ પરત ન ફરીચોથા માળેથી બાળકો ટપોટપ કૂદી રહ્યા હતા તેમાં કર્ણવી પણ હતી

સુરત:તક્ષશિલા આગકાંડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યા હતા.સુરતના સરથાણા જકાતનાકા પાસેની તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગમાં 22 જેટલાં વિદ્યાર્થીઓ જીવતા સળગી ગયાં, જેમાંથી અમુકે ટેરેસના ચોથા માળેથી નીચે ભૂસકા માર્યા અને નસીબ નબળું સાબિત થયું ને નીચે કોઈ ઝીલનાર ના મળ્યું. સુરતની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં હાહાકાર મચાવી દીધો છે.
તક્ષશિલા બિલ્ડિંગના ટ્યુશન ક્લાસમાં ટ્યુટર તરીકે કામ કરતી ગ્રીષ્મા તેનાથી 20 વર્ષ નાની કર્ણવીને પણ સાથે લઈ ગઈ હતી. ગ્રીષ્માએ કર્ણવીના પિતાને કહ્યું, અંકલ આજે મારો છેલ્લો દિવસ છે, હું કર્ણવીને મારી સાથે લઈ જાવ છું. પિતાએ પણ બહેનપણીના પ્રેમ સાથે મોકલી દીધી હતી.

પરંતુ ના જાણ્યું જાનકી નાથે કે કાલ શું થશે? આવું જ વિચારીને 20 વર્ષ મોટી બહેનપણી સાથે ગઈ હતી. કાળ કોળીયો કરવા બેઠો હોય તેમ કર્ણવીનો તે છેલ્લો દિવસ બની રહ્યો હતો.

આગ બાદ ચોથા માળેથી એક બાદ એક બાળકો ટપોટપ નીચે જીવ બચાવવા કૂદી રહ્યા હતા. તેમાં એક અઢી વર્ષની બાળકી પણ હતી. જીવ બચાવવા આગમાં લપેટાયેલી બાળકીએ કૂદકો માર્યો હતો. કોઈ તેને પકડી લેશે એવું માનીને બિલ્ડિંગ પરથી કૂદેલી અઢી વર્ષીય બાળકી કર્ણવી તેની 22 વર્ષીય બહેનપણી ગ્રીષ્મા સાથે ગઈ હતી.

ગ્રીષ્મા ફાઈન આર્ટસ કર્યું હતું અને ટ્યુશન ક્લાસમાં ટ્યૂટર તરીકે કાર્યરત હતી. તેના ક્લાસ પણ શુક્રવારે પૂરા થતાં હતાં તેથી ઘરેથી રવાના થઈ ત્યારે તેણે કર્ણવીને સાથે લઈ જવા માટે તેના પિતાને કહ્યું હતું કે, આજે મારો છેલ્લો દિવસ છે, મારી સાથે કર્ણવીને પણ લઈ જાઉં છું. બસ પછી કર્ણવીના પિતા પણ ગ્રીષ્માએ કોઈ છેલ્લો દિવસ કહ્યો તે પારખી શક્યા નહી.

આગની દૂર્ઘટનામાં મોટી ઉંમરની બહેનપણી સાથે પિતાએ અઢી વર્ષની બાળકીને ગુમાવી દીધી.
ભીષણ આગમાં જેમતેમ કરીને બારીઓ સુધી પહોંચેલા બાળકો ચોથા માળેથી પોતાને કોઈ બચાવી લેશે એવી ધારણા બાંધીને બાળકો કૂદી રહ્યા હતા. ત્યારે નીચે ઊભેલા કેટલાક લોકો પણ તેમને ઝિલવાનો પ્રયાસ કરતા હતા. તેમાં કર્ણવીને પણ ઝિલવા માટે હાથ લાંબા કર્યા પરંતુ તે હાથ ટૂંકા પડ્યા હતા. અઢી વર્ષની કર્ણવી કૂદીને કોઈના હાથમાં ન પહોંચી શકી ને સીધી રોડ પર પટકાઈ. તેની ધારણા ખોટી પડી.

અઢી વર્ષની એ વ્હાલસોયી બાળકી પોતાની મિત્રતા નીભવવામાં મોતના મુખમાં પહોંચી ગઈ. સરકાર, સત્તાધીશો, બિલ્ડર, મેયર, ફાયર વિભાગ અને ખદબદતા ભ્રષ્ટાચારની બલી ચડીને એક અઢી વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો. મરવાની ઉંમર ન હતી ત્યારે ભ્રષ્ટાચારનો ભોગ બનીને તેણે આ ફાની દુનિયાથી વિદાય લીધી. તેના આત્માને પરમાત્મા ચીરશાંતિ આપે એવી પ્રાર્થના.

આ આગને લઈને અનેક પાસાંઓ સામે આવ્યાં છે. ‘કોનો વાંક?’ની જાણે રમત શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. બિલ્ડર, એપાર્ટમેન્ટનો માલિક, કોચિંગ ક્લાસનો માલિક, ફાયરબ્રિગેડ, મ્યુનિસિપાલીટીથી લઈને ધારાસભા-સચિવાલય સુધી બધાંને આમાંથી બાકાત રાખવામાં આવ્યાં નથી. ખરું જોતા વાંક ખરેખર બધાનો વધતેઓછે અંશે હતો જ. એ પણ યાદ રાખ્યા જેવું છે કે, હવે ગમે તે કરો; એતો જેણે પેટનાં જણ્યાં ખોયા હશે એની માથે વીતી હશે – જે ખરેખર વીતવાની હશે!

જે બાળકો બચ્યાં એમણે કહ્યુંઃ મરવું તો નક્કી જ હતું, વિચાર્યું કે કૂદી જઇએ તો બચી જઇશું…

બધા કહેવા લાગ્યા, કૂદો..કૂદો… એટલે કૂદી ગયો, પણ બચી ગયો

હું અલોહા નામે ચાલતા માઇન્ડ ફ્રેશ એટલે કે મેન્ટલી ડેવલપ ક્લાસિસમાં હતો તે વખતે ધુમાડા દેખાયા. અમારા જેનીશા મેડમ સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ દેખાયા જ નહીં. મારી પાસે ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. હું કૂદી ગયો બાદમાં નીચે એક મૃતક અને ઝીલવા માટે પણ લોકો હતાં. ભગવાને કર્યું ને મને લેશમાત્ર ઇજા થઈ નથી. – રામ વાઘાણી, 15 વર્ષ

મરવાનું જ હતું તો પછી કૂદીને બચવાનો વિકલ્પ પસંદ કર્યો

અમે વીસેક વિદ્યાર્થીઓ ક્લાસિસમાં હજુ તો બેઠા જ હતા ત્યાં ધુમાડા દેખાવા લાગ્યા. પહેલા તો કાગળિયા સળગ્યા હોવાની વાત માની પણ એક વ્યક્તિએ આગ મોટી હોવાની વાત કરતા જ બહાર નીકળીને જોયું તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

બારી બારણાં તોડી નીકળવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય જવાની જગ્યા ન હતી. પરિણામે ક્લાસિસમાં રહીને મરવા કરતા કૂદકો મારી ચાન્સ લેવા નિર્ણય કર્યો. કૂદકો મારી પણ દીધો. હાથમાં ને માથામાં ઇજા થઈ.’ – રુચિત વેકરિયા, વિદ્યાર્થી

ભગવાનનું રટણ કરતાં કૂદી પડી ને લોકોએ મને કેચ કરી લીધી…!

અમારી સાથે 3 વર્ષનો એક અને બાકીના 5 થી 6 વર્ષના નાના બાળકો પણ હતાં. કોમ્પલેક્ષમાં એન્ટ્રી- એક્ઝિટ એક જ છે અને ત્યાંથી જ ધૂમાડો આગ લપકારા લેતી હતી સ્વાસ પણ લઈ શકાઈ તેવી સ્થિતિ ન હતી બાળકોને બચાવવા પ્રયાસ કર્યો પણ બચવા માટેનો કોઈ રસ્તો જ ન હતો.

અમારા સાહેબો પણ કૂદી ગયાં હતાં. જીવ બચી જશે તેમ વિચારીને કૂદકો મારી દીધો..નીચે લોકોનું ટોળુ હતું તેઓએ મને કેચ કરી લેતાં જીવ બચી ગયો..પગમાં શરીરે ઈજાઓ થઈ છે. – રેન્સી પ્રકાસ રોય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top