ઉડાન યોજનાનું થયું સુરસુરિયું… 10માંથી માત્ર 2 જ હવાઈ સેવાઓ શરૂ થઈ

ગુજરાતમાં ઉડાન યોજના હેઠળ 10 સ્થળો માટે હવાઈ સેવા શરૂ થવાની હતી, પરંતુ તેમાંથી માત્ર 2 હવાઈ સેવા શરૂ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપતા વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના હેઠળ વર્ષ 2019માં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી શેત્રુંજય ડેમ સુધી, શેત્રુંજય ડેમથી સાબરમતી રિવરફ્રન્ટ, જામનગરથી દિલ્હી, ગોવા અને હિંડન, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત અને સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની હવાઈ સેવા શરૂ થવાની હતી.

કેશોદથી મુંબઈ અને મુંબઈથી કેશોદની હવાઈ સેવા પણ શરૂ થવાની હતી, પરંતુ આમાંથી એક પણ હવાઈ સેવા શરૂ થઈ નથી. 31 ડિસેમ્બર 2021 સુધીમાં માત્ર જામનગરથી હૈદરાબાદ અને બેંગ્લોર માટે બે જ હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે.

આ સેવાઓ શરૂ ન કરવાના કારણોમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સેવા કેન્દ્ર સરકારની છે, તેથી આ અંગે કોઈ કારણ આપી શકાય નહીં.

એક એરક્રાફ્ટની ખરીદી માટે 197 કરોડ રૂપિયાનો ખર્ચ

વર્ષ 2019માં ગુજરાત સરકારે 197 કરોડ 90 લાખ 22 હજાર 366 રૂપિયામાં વિમાન ખરીદવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી મોદીએ ગુરુવારે વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 26 ઓગસ્ટ 2019ના રોજ રાજ્ય સરકારે નવું એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી હતી અને તે વર્ષે 21 નવેમ્બરે રાજ્ય સરકારને વિમાન મળ્યું હતું. એરક્રાફ્ટના સમારકામ અને સંચાલન ખર્ચ તરીકે બે કંપનીઓને 19 કરોડ 53 લાખ 58 હજાર 823 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

સી પ્લેન પાછળ 7.77 કરોડનો ખર્ચ, સાડા પાંચ મહિનામાં બંધ

વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદના સાબરમતીથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન 31 ઓક્ટોબર 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સી પ્લેન પાછળ 7 કરોડ 77 લાખ 65 હજાર 991 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પ્લેન લગભગ સાડા પાંચ મહિના પછી 10 એપ્રિલ 2021 થી બંધ છે.

Scroll to Top