રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ભાષણનું અનુવાદ કરતી વખતે વચ્ચે જ રડવા લાગી અનુવાદક, વીડિયો વાયરલ

યુક્રેન પર રશિયાના હુમલામાં સેંકડો લોકોના જીવ ગયા છે. આમ છતાં, હજુ સુધી બંને દેશોએ યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત પણ શરૂ કરી નથી. જો કે, આ યુદ્ધની વચ્ચે, ઘણી એવી તસવીરો અને વાતો સામે આવી રહી છે, જેના કારણે સમગ્ર વિશ્વ યુક્રેન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યું છે. આ દરમિયાન, એક જર્મન ટીવી ચેનલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ભાષણની વચ્ચે એક અનુવાદકને હીબકા લેતા સાંભળી શકાય છે.

યુક્રેનમાં ઓસ્ટ્રિયાના રાજદૂત ઓલેક્ઝાન્ડર શેરબાએ આને લગતો એક વીડિયો શેર કર્યો છે. તેમાં, એક અનુવાદકને જર્મનીની વેલ્ટ ચેનલ માટે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ભાષણનો અનુવાદ કરતા સાંભળી શકાય છે. એક પ્રસંગે, જ્યારે ઝેલેન્સકી કહે છે કે અમારી હાલત ઠીક નથી, એ જ વખતે અનુવાદક અધવચ્ચે અટકી જાય છે. વીડિયોમાં તે રડતી અને બાદમાં માફી માંગતી સાંભળી શકાય છે.

ભાષણમાં શું બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમના દેશ પર હુમલો કરવા બદલ રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવું જોઈએ. ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે યુક્રેન પર રશિયાનું આક્રમણ નરસંહારની દિશામાં એક પગલું છે. ‘રશિયાએ દુષ્ટતાનો માર્ગ પસંદ કર્યો છે અને વિશ્વએ તેને યુએન સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવું જોઈએ,” તેમણે કહ્યું. રશિયા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે, જેને લીધે તેની પાસે ઠરાવોને વીટો કરવાની સત્તા છે.

ઝેલેન્સકીએ કહ્યું કે ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલે યુક્રેનિયન શહેરો પર રશિયાના હુમલાની તપાસ કરવી જોઈએ. તેમણે રશિયન આક્રમણને ‘રાજ્ય પ્રાયોજિત આતંકવાદ’ ગણાવ્યું. તેમણે રશિયાના દાવાને નકારી કાઢ્યો કે તે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું નથી.

 

Scroll to Top