રશિયન દળોએ યુદ્ધના ત્રીજા દિવસે યુક્રેનની રાજધાની કિવની બહારના વિસ્તાર પર કબજો કરી લીધો છે. રશિયન સૈનિકો યુક્રેનને ચારે બાજુથી નષ્ટ કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. ટેન્ક-તોપ અને બખ્તરબંધ વાહનો સાથે સૈનિકોનો મોટો કાફલો ક્રીમિયા, બેલારુસ અને રશિયા થઈને યુક્રેનમાં પ્રવેશતો જોવા મળ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશિયન સેનાની એક ટેન્ક રસ્તા પર એકલી ઉભેલી જોવા મળી રહી છે. થોડા સમય પછી, ત્યાં પહોંચેલા યુક્રેનિયન નાગરિકે તેમને રશિયા પાછા જવા માટે લિફ્ટ આપવાની ઓફર કરે છે. જોકે, રશિયન સૈનિકોએ હસીને યુક્રેનિયન નાગરિકની વાતને અવગણી કાઢે છે. આ સમગ્ર વાતચીત રશિયન ભાષામાં છે, જેને કેટલાક પત્રકારો દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરીને રીટ્વીટ કરવામાં આવી છે.
રશિયન ટેન્કનું ડીઝલ રસ્તા વચ્ચે જ થઈ ગયું ખતમ
આ વાયરલ વીડિયોમાં રશિયન સૈનિકો એક ટેન્કની બાજુમાં ઉભેલા જોઈ શકાય છે. થોડી વાર પછી, કારમાં સવાર એક યુક્રેનિયન નાગરિક તેમની પાસે આવે છે અને અહીં અટકવાનું કારણ પૂછે છે. તે યુક્રેનિયન નાગરિક રશિયન સૈનિકો સાથે ખૂબ જ રમુજી અંદાજમાં વાત કરે છે. દુશ્મન દેશના સૈનિકો સામે યુક્રેનિયન નાગરિકની આવી વાતચીતની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક મિનિટના આ વીડિયોમાં રશિયન સૈનિકો ટેન્ક સાથે નિર્જન રસ્તા પર રાહ જોતા દેખાઈ રહ્યા છે.
The Ukrainian driver talks to the Russians who run out of fuel on their way to Kyiv: "Vehicle broke? – No, waiting for diesel. – I can tug you back to Russia! – [Russians laugh] – Do you know where are you going? – No. What's in the news? – Ukraine wins. Your guys surrender." https://t.co/9P4I22vZjj
— Viktor Kovalenko (@MrKovalenko) February 26, 2022
યુક્રેનિયન પત્રકારે વાતચીતનો કર્યો અનુવાદ
આ રશિયન ભાષાના વીડિયોનો અનુવાદ યુક્રેનના ભૂતપૂર્વ પત્રકાર વિક્ટર કોવાલેન્કોએ કર્યો છે. તેણે લખ્યું છે કે કારમાં સવાર એક યુક્રેનિયન નાગરિક રોકાઈને સૈનિકોને પૂછે છે કે શું ટેન્ક ખરાબ થઈ ગઈ છે. જેના પર રશિયન સૈનિકોએ જવાબ આપ્યો કે તેઓ ડીઝલની રાહ જોઈ રહ્યા છે. જે બાદ કારમાં સવાર યુક્રેનિયન નાગરિકે મજાકમાં કહ્યું કે હું તમને રશિયા પાછા ખેંચીને લઈ જઈ શકું છું. જે બાદ તમામ રશિયન સૈનિકો હસવા લાગે છે. કોવાલેન્કોના ટ્વીટ અનુસાર, રશિયન સૈનિકોને ખબર ન હતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. કારમાં બેઠેલો માણસ કટાક્ષમાં કહે છે કે યુક્રેન જીતી રહ્યું છે અને રશિયનો શરણાગતિ સ્વીકારી રહ્યા છે.
રશિયાનો દાવો – યુક્રેને વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કિવ સાથે વાતચીતની આશામાં શુક્રવારે બપોરે યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે, યુક્રેનિયન નેતૃત્વએ વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યા પછી શનિવારે ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ દાવો કર્યો હતો કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને વાતચીત કરવા માટે વિનંતી કરી હતી. બેલારુસની રાજધાની મિન્સ્કમાં બંને દેશો વચ્ચે મંત્રણા થાય તેવી શક્યતા છે.