દેશના ઇતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસે પત્રકાર પરિષદ સંબોધી હતી. સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર ચાર જજ જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી અને અનિયમિતતાઓને લઇને તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સમક્ષ પોતાની વાત રાખી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી.
જસ્ટિસ ચલમેશ્વરે કહ્યું કે, અમે ચાર જજ જસ્ટિસ દીપક મિશ્રાને સમજાવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનું વહીવટીતંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. જેને લઇને અમે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. કાલે કોઇ એવું ના કહે કે અમે આત્મા વેચી નાખ્યો છે.
ચારેય જસ્ટિસે કહ્યું કે, અમે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને લખેલો પત્ર સાર્વજનિક કરીશું. જસ્ટિસ ચલમેશ્વરે કહ્યું કે, અમે છેલ્લા બે મહિનાથી સ્થિતિને લઇને આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જસ્ટિસ ચમલેશ્વર સુપ્રીમ કોર્ટના બીજા નંબરના જજ છે.