ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જતાં 100થી વધારે લોકોના મોત થઈ ગયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. મરનારા લોકોમાં કેટલીય મહિલાઓ અને બાળકો સામેલ છે. તો વળી કેટલાય લોકોની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમને 2-2 લાખ રૂપિયાના વળતરની સહાય કરી છે, તથા ઘાયલોને 50 હજાર આપવામાં આવશે.
હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં મંગળવારે ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન ભાગદોડ મચી જવાથી કેટલાય લોકોના મોત થઈ ગયા હતા. તો વળી આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. જેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ ઘટનામાં 122 લોકોના મોત થઈ ગયા છે. અને 150થી વધારે ભક્તો ઘાયલ થયા છે. કેટલાયની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે.
50 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા
આપને જણાવી દઈએ કે, આજે એટલે કે મંગળવારે હાથરસના રતિભાનપુર વિસ્તરમાં થયેલા સત્સંગ કાર્યક્રમમાં લગભગ 50 હજારથી વધારે લોકો સામેલ થયા હતા. ત્યાર પંડાલમાં અચાનક ભયાનક ગરમીના કારણે લોકો બહાર દોડવા લાગ્યા. અને ભાગદોડ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મથુરા, આગરા, ફિરોઝાબાદ અને એટાથી લોકો આવ્યા હતા.