પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરમાં અનેક હિંસક ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની હત્યાનો મામલો પણ આ સાથે જોડાયેલો હતો. જે બાદ હવે સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને જોરદાર ઠપકો આપ્યો છે. આ સિવાય દિલ્હી પોલીસને પણ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કહ્યું કે, તમારા કારણે સમગ્ર દેશનું વાતાવરણ બગડ્યું છે અને તમે લાંબા સમયથી માફી માંગવામાં વિલંબ કર્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની તે અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કહ્યું કે તમે તમારી જાતને વકીલ કહો છો, છતાં તમે બેજવાબદાર નિવેદન આપ્યું છે. આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સત્તાની તાકાત મન પર હાવી ન થવી જોઈએ. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ટીવી ચેનલને પણ ફટકાર લગાવી, જેની ચર્ચામાં નૂપુર શર્માએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોર્ટે પૂછ્યું કે જો ચેનલના એન્કરે ઉશ્કેરણી કરી હોય તો તેની સામે કેસ કેમ નોંધવામાં ન આવે?
દિલ્હી પોલીસે પણ ફટકાર લગાવી હતી
નુપુર પર કટાક્ષ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું, તમારા કારણે દેશની હાલત બગડી છે. તમે મોડેથી માફી માગી, તે પણ આ શરતે કે જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું નિવેદન પાછું ખેંચું છું. કોર્ટે દિલ્હી પોલીસને પણ આડે હાથ લેતા કહ્યું કે જો નૂપુર સામે પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધાઈ હતી તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવી?
આ દરમિયાન નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે ટીવી પર કેટલાક અન્ય પેનલિસ્ટ શિવલિંગ વિશે વારંવાર અપમાનજનક વાતો કહી રહ્યા હતા. નૂપુરનો કોઈ ધર્મનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. વકીલે કહ્યું કે, જો કોર્ટનો આવો મત છે, તો અભિવ્યક્તિની સ્વતંત્રતા નિરર્થક બની જશે. જેના પર કોર્ટે જવાબ આપ્યો કે જવાબદારી પણ આ સ્વતંત્રતા સાથે જોડાયેલી છે. જ્યારે વકીલે માત્ર એક એફઆઈઆરને સાચી માનવાની વાત કરી તો કોર્ટે કહ્યું કે, તમે આ મામલો હાઈકોર્ટમાં મૂકી શકો છો. તમે દરેક કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી જામીન માંગી શકો છો. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં નોંધાયેલી FIRમાં શું થયું. કદાચ પોલીસે તમારા માટે રેડ કાર્પેટ બિછાવી છે.