અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અધિકારીઓએ કાર સળગાવવાના આરોપીઓને ઠાર માર્યા હતા. તમને જણાવી દઈએ કે આ કાર્યવાહી રાલે વિસ્તારમાં સ્થિત પોલીસ સ્ટેશન પાસે થઈ હતી. જ્યાં આરોપી સતત પેટ્રોલ બોમ્બ ફેંકવાની સાથે આગજનીની ઘટનાને અંજામ આપી રહ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં આરોપી દેખાય છે
કેરોલિનાના પોલીસ વડા એસ્ટેલા પેટરસને પત્રકારોને જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે તેમના એક અધિકારીએ જિલ્લા પોલીસ સ્ટેશનની નજીક પાર્કિંગ સાઇટમાં લગભગ 1.20 વાગ્યે એક વ્યક્તિને વાહનોને આગ લગાડતા જોયા. મોડી રાત્રે પોલીસ અધિકારીઓએ તેને ગોળી મારી હતી.
પેટરસનના કહેવા પ્રમાણે, ‘આરોપીને શૂટ કરતા પહેલા આરોપીને ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે તે કોઈપણ રીતે રોકાયો નહીં તો તેની ટીમે આ નિર્ણય લેવો પડ્યો. અમારા અધિકારીઓ તેને સતત ચેતવણી આપીને આત્મસમર્પણ માટે અપીલ કરી રહ્યા હતા. તે સંમત ન થયો તો ઘટનાસ્થળે પહોંચેલા અન્ય ત્રણ અધિકારીઓએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બધાએ તરત જ તેને વાહનોને આગ લગાડતા અટકાવ્યો હતો. જો કે, આરોપી વ્યક્તિ રોકાયો નહીં અને પોલીસ અધિકારીઓ પર પેટ્રોલ બોમ્બ ફેંકતો રહ્યો, જેમાંથી એક પોલીસ અધિકારીની નજીક પડ્યો હતો.
બચાવમાં ચલાવી ગોળી
પેટરસને એમ પણ કહ્યું, ‘ત્યારબાદ અધિકારીઓએ તેમના હથિયારોનો ઉપયોગ કર્યો અને તે વ્યક્તિ પર ગોળીબાર શરૂ કર્યો.’ આ પછી ત્યાં હાજર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરવાની સાથે તે ઘાયલ હુમલાખોરને પણ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.