અમદાવાદ: અમદાવાદશહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સહિતની ગાડીઓ કચરો ઉપાડવા કોન્ટ્રાક્ટ પર મૂકવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારોમાં કચરો ઉપાડવા પણ ગાડીઓ આવતી ન હોવાની પણ ફરિયાદો વધી રહી છે. જોકે આ દરમિયાન એએમસી દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું છે તેમના દ્વારા લાલિયાવાડી કરવામાં આવી રહી છે સાથે જ તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના આંખમાં મરચુ નાંખી લૂંટ ચલાવી રહ્યા હોય તેમ લાગે છે.
અમદાવા મહાનગરપાલિકા દ્વારા કંપનીઓને શહેરનો કચરો એકઠો કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે પરંતુ આ કોન્ટ્રાક્ટરો દ્વારા એ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી રહી છે, તમે તેના વિશે જાણાને ચોંકી જશો. શહેરમાં જે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવી છે તેઓને વજનના આધારે અમદાવાદ મહાનગરપાલિકા પૈસા ચૂકવે છે પરંતુ આ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા તેમા પણ ભેળસેળ કરી રહ્યા છે.
વાંચો: અમદાવાદમાં કચરાનું કૌભાંડ: કચરાથી કરોડોની આવક થતા કોન્ટ્રાક્ટરો બેફામ
વજન વધારવા ઈંટ-પથ્થર અને કાળમાળનો ઉપીયોગ
જાહેર માર્ગો પર તેમજ તંત્ર દ્વારા લગાડવામાં આવેલા સૂકા-ભીના કચરાના ડબ્બામાંથી પણ કચરો ઉપાડવામાં આવતો ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. તેવામાં કેટલાક ગાડીવાળાઓ ડોર ટુ ડોર ગાર્બેજનો વજન વધારવા માટે ગાડીમાં કચરાની સાથે માટી, પથ્થર, ઈંટો અને ઘર-બિલ્ડીંગનો કાટમાળ ભરી વજન વધારી રહ્યા છે. આ કોઇ પ્રથમવાર નથી, શહેરમાં કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરોની ગાડીઓએમાં કચરાનું વજન વધારવાના વીડિયો ભૂતકાળમાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે ફરી એકવાર બેફામ બન્યા છે.
કિશોર વયના બાળકોના હાથમાં સ્ટિયરિંગ
શહેરની મોટા ભાગની ગાડીઓ પર નાની-નાની વયના છોકરાઓ ગાડીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ કેટલાક કિશોરોને તો કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર કોણ છે તેની પણ માહિતી નથી. જો આ દરમિયાન કોઇ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ છે.
મોટા ભાગની ગાડીઓમાં ડ્રાઇવરો પાસે લાઇસન્સ નથી તો ઘણી ગાડીઓની હાલત એટલી ખરાબ હોય છે કે ગમે તે ઘડીએ અકસ્માત સર્જાઇ શકે છે. ત્યાં જ કેટલીક ગાડીઓમાં તો એક સાથે ચારથી પાંચ લોકો બાળકોને લઇ બેઠા હોય છે. કચરાના પૈસામાંથી કમાણી કરતા કોન્ટ્રાક્ટરોને મજૂરોને કંઇ પડી ન હોય તેમ તેમને તેમના હાલ પર છોડી દીધા છે. તો શહેરીજનોના માથે પણ કચરો ઉપાડતી ગાડીઓ યમદૂત બનીને ફરી રહી હોય તેમ લાગે છે.