આખા દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન બાદ આખરે જીગ્નેશ મેવાણીને મળ્યા જામીન

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આસામના કોકરાઝારની કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં.ત્યાર બાદ આજે જીગ્નેશ મેવાણી પુનઃ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં. જયાં કોર્ટે જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર કર્યા છે.

આ પહેલા બુધવારે રાત્રે મેવાણીની ગુજરાતના પાલનપુર શહેરમાંથી આસામ પોલીસની એક ટીમ દ્વારા તેના PM મોદીને લઈને કરેલા ટ્વિટના કારણે ધરપકડ કરવામાં આવી હતી. આસામ બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તેમની સામે FIR નોંધવામાં આવી હતી. પોલીસે મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), 153(a) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(a), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આસામના કોકરાઝારની કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં. અધિકારીએ કહ્યું હતું કે મેવાણીની જામીન અરજી સહિતના કેસની સુનાવણી સોમવારે થશે. મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થતાં રવિવારે મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દલીલો રાત્રે 9.30 વાગ્યા સુધી બે કલાકથી વધુ ચાલી હતી.બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડને “અલોકતાંત્રિક” અને “ગેરબંધારણીય” ગણાવી હતી.

Scroll to Top