વડોદરા શહેરથી દયનીય ઘટના સામે આવી છે. જેમાં વડોદરા શહેરમાં ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેશ દલાલે મંગળવારની સાંજે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટ્રેનની નીચે આવી જતા બંનેના માથા ઘડથી અલગ થઇ ગયા હતા. રેલ્વે પોલીસ દ્વારા બંનેના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેનાર પિતા પુત્રે એક સાથે આપઘાત કરતા ચકચાક મચી ગયો છે.
દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા. મંગળવારની મોડી રાત્રીના પિતા-પુત્ર રીક્ષામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. ત્યાર બાદ 73 વર્ષના ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષના પુત્ર રસેશ દીલીપભાઇ દલાલ મંગળવારની સાંજે સાત વાગ્યે મકરપુરા અને વરણામાની વચ્ચે મારેઠા રેલવે-ફાટક પાસે કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રેલવે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક અનુમાન અનુસાર આર્થિક તંગીના કારણે પિતા-પુત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું બની શકે છે.
નોંધનીય છે કે, ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર પણ હતો. જેમાં જાણવા મળ્યું છે કે, પિતા-પુત્ર મકરપુરા ટિકિટ લેવા જઇએ છીએ, તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. પોલીસ દ્વારા બનાવ અંગે ફેક્ટરી માલિક દિલીપભાઈના પત્નીને જાણ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, દિલીપભાઈનો પુત્ર રસેશ માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો. તેમજ પરિવારમાં તેઓ અને તેમની પત્ની જ હોવાનું સામે આવ્યું છે.