પુખ્ત ભારતીયો માટે પાન કાર્ડ ઘણો મહત્વનો દસ્તાવેજ છે. તે બનાવવાનું હવે ઘણી સરળ થવા જઈ રહ્યું છે. પાન કાર્ડ માટે લાંબી રાહ નહીં પડે અને તે માત્ર થોડા કલાકોમાં જ બની જશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાના જણાવ્યા મુજબ, ટેક્સ ડિપાર્ટમેન્ટ 4 કલાકમાં પાન કાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.
માત્ર 4 કલાકમાં મળી જશે ઈ-પાન
તેમણે જણાવ્યું કે, ‘સીબીડીટી ટૂંક સમયમાં જ 4 કલાકની અંદર ઈ-પાન આપવાની શરૂઆત કરશે. અમે એક નવી પ્રણાલી સામે લાવી રહ્યા છીએ. એક વર્ષ કે થોડા સમય પછી અમે 4 કલાકમા પાન આપવાનું શરૂ કરી દઈશું. તમારે આધાર ઓળખ આપવાની રહેશે અને તેમને 4 કલાકમાં જ પાન કાર્ડ મળી જશે.’
2017માં લોન્ચ થઈ હતી ઈ-પાનની સુવિધા
એપ્રિલ 2017માં સીબીડીટીએ ઈ-પાનની સુવિધા લોન્ચ કરી હતી. તે અંતર્ગત અરજીકર્તાને ઈ-મેલ દ્વારા પાન કાર્ડની સોફ્ટ કોપી પીડીએફ ફોર્મેટમાં મોકલવામાં આવે છે. અરજીકર્તા પોતાના ઈ-મેલ આઈડીથી પાન કાર્ડને ડાઉનલોડ કરી તેનો ઉપોયગ કરી શકે છે.