બે સાર્વજનિક ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓએ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની ઉપરાંત 11 સૈન્ય કર્મચારીઓના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ સંબંધિત અકસ્માતના દાવાઓનું ઝડપથી નિરાકરણ કર્યું છે. 8 ડિસેમ્બરના રોજ, તમિલનાડુના કન્નુર નજીક એક Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા, બ્રિગેડિયર એલએસ લિડર અને અન્ય દસ સંરક્ષણ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું.
ગ્રૂપ પર્સનલ એક્સિડન્ટ (GPA) વીમાના દાવાઓ જેમાં અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. તમામ આર્મી અધિકારીઓ અને જવાનોને તેમના પગાર ખાતા સાથે GPA વીમા કવચ મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાહેર વીમા કંપનીઓ – ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ – એ અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈન્ય અધિકારીઓ અને જવાનોના વીમા દાવાઓને ઝડપથી પતાવી દીધા છે.
રેકોર્ડ 30 મિનિટમાં ક્લેમ સેટલમેન્ટ: યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે જનરલ રાવત અને અન્ય સાત સંરક્ષણ કર્મચારીઓના વ્યક્તિગત અકસ્માત વીમાના દાવાની 30 મિનિટમાં પતાવટ કરી હતી. એ જ રીતે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે બ્રિગેડિયર લિડરના સંબંધમાં એક કલાકની અંદર વીમાની રકમ ચૂકવી દીધી.
દાવાની ઝડપી પતાવટ: યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સત્યજીત ત્રિપાઠીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 10 ડિસેમ્બરે અમને બેંક તરફથી માહિતી મળી કે આ ખાતાધારકોનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.અમને આ માહિતી મળતાની સાથે જ અમે બેંક તરફથી મોકલવામાં આવેલા ન્યૂનતમ જરૂરી દસ્તાવેજોના આધારે તરત જ દાવાની પતાવટ કરી દીધી.
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી આઠ લોકોને SBI GPA પોલિસી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેંકમાં ખાતા ધરાવતા અન્ય બે આર્મી કર્મચારીઓના અંગત અકસ્માત વીમા દાવાની પતાવટની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સૈન્ય અધિકારીઓને 30 લાખનો વીમો આપવામાં આવે છે, જ્યારે એરફોર્સના કિસ્સામાં આ વીમો 40 લાખનો છે.