હાલ રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે. બીજી તરફ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાત્રી કર્ફ્યૂનો ભંગ થયાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાત્રિના ૧૧ વાગ્યા બાદ પણ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો અને પાર્ટીના સિનિયર નેતાઓ હાજર હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ કોરોના મહામારીના કારણે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનો પણ સરેઆમ ભંગ થતો નજરે પડી રહ્યો છે. ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ તેમજ મોટાભાગના કાર્યકર્તાઓે માસ્ક વગર હોવાનું જાેવા મળ્યું હતું. અહીં સવાલ એ થાય છે કે શું રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયમો ફક્ત સામાન્ય પ્રજાજનો માટે જ છે ? ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ ૧૨ઃ૩૯ મિનિટે ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છે.
ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે તે પૂર્વે તેની ખરાઈ કરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુમાળી ચોક ખાતે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટ શહેર કાૅંગ્રેસ દ્વારા પણ શુક્રવારના રોજ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
શુક્રવારના રોજ કાૅંગ્રેસના ૨૨ જેટલા ઉમેદવારો ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. એનસીપી દ્વારા પણ જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્રક સોંપશે. એનસીપીના ઉમેદવારોની સાથે એનસીપીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ હોય કે કાૅંગ્રેસ, બંને પાર્ટીમાં કેટલાક નેતાઓની ટિકિટ કપાતા તો કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતાં રોષ જાેવા મળી રહ્યો છે. બંને પાર્ટી પોતાના નારાજ થયેલા નેતાઓ તેમજ કાર્યકર્તાઓને કયા પ્રકારે મનાવે છે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.