વિઠ્ઠલ રાદડીયાએ પુત્રવધૂના કરાવ્યા હતા પુર્નલગ્ન, કન્યાદાનમાં 100 કરોડની સંપત્તિ આપી હતી

સૌરાષ્ટ્ર પાટીદાર સમૂદાય અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. વિઠ્ઠલ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં ગણવામાં આવતું હતું. 2014માં પોરબંદર બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની રાજનીતિમાં એક શોકનો માહોલ છવાયો છે. જામકંડોરણા ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.

ત્યારે આજે એમના એક પ્રસંગ વિશે જાણીએ જે પ્રસંગની ચર્ચા આજે પણ થાય છે

સપ્ટેમ્બર 2014માં જામકંડોરણામાં સાદગીથી લગ્નવિધિ કરવામાં આવી હતી

પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર કલ્પેશનું જાન્યુઆરી 2014માં આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું. આથી તેની પત્ની મનિષા, પુત્ર અને પુત્રી નોધારા બન્યા હતા. વિઠ્ઠલભાઇ તેમને જોતા હતા ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી કે, આ ત્રણેયના ભવિષ્યનું શું? અંતે સમાજના આગેવાનો અને નજીકના મિત્રોની સલાહ લીધા બાદ તેમણે પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય લીધો હતો. જામકંડોરણાની બાજુમાં આવેલા નાનકડાં એવા જસાપર ગામમાં રહેતા અને શાકભાજી વેચતા ચોવટિયા પરિવારમાં પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય કરાયો. જેમની સાથે પુત્રવધૂને પરણાવવાનો વિઠ્ઠલભાઇએ નિર્ણય લીધો છે તે હાર્દિક સુરતમાં વિઠ્ઠલભાઇના પુત્ર લલિતભાઇના કર્મચારી છે. સપ્ટેમ્બર 2014માં જામકંડોરણામાં સાદગીથી લગ્નની વિધિ કરી હતી.

રાદડિયા દંપતીએ કન્યાદાન કર્યું

પુત્રવધૂને દીકરીને જેમ સાસરે વળાવવા માટે રાદડિયા પરિવારે કોઇ કચાશ બાકી રાખી નહોતી અને મનીષાબેનનું કન્યાદાન પણ વિઠ્ઠલભાઇ રાદડિયા અને તેમના પત્ની ચેતનાબેને ર્ક્યું હતું. તો મનીષાબેનના જેઠ અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાએ મનીષાબેનને નાનીબેન બનાવી આશિષ પાઠવ્યા હતા.

દીકરાના આત્માને શાંતિ મળશે: રાદડિયા

પુત્રવધૂ મનીષાના લગ્ન યોજાયા બાદ રાદડિયાએ કહ્યું હતું કે, આજે મારા દીકરા કલ્પેશના આત્માને શાંતિ મળશે. પુત્રવધૂ મનીષાને દીકરી બનાવી સાસરે વિદાય આપી છે. તેના હિસ્સાની તમામ મિલકતો કરિયાવરરૂપે આપી પિતાની ફરજ બજાવ્યાનો પણ સંતોષ અનુભવું છું.

કરિયાવરમાં શું આપ્યું હતું

સાંસદ રાદડિયાએ પુત્રવધૂ મનીષાબેનને કરિયાવરમાં રાજકોટનો બંગલો, સુરતના વરાછા રોડ પરનો બંગલો, જામકંડોરણાના વિમલનગર અને વૈભવ નગરમાં આવેલી ખેતીની જમીન ઉપરાંત કાર પણ આપી હતી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top