યુક્રેનના મુખ્ય શહેર કિવ ઓબ્લાસ્ટમાં એક સામૂહિક કબર મળી આવી છે. દેશના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે કહ્યું છે કે શહેરમાં ઘણી સામૂહિક કબરો મળી છે, જેમાં લગભગ 900 લોકો દફનાવવામાં આવ્યા છે. યુક્રેનના ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનું કહેવું છે કે કિવ ઓબ્લાસ્ટમાં અત્યાર સુધી મળી આવેલી અલગ-અલગ સામૂહિક કબરોમાં લગભગ 900 લોકોને દફનાવવામાં આવ્યા છે. ઝેલેન્સકીએ પોલિશ મીડિયાને પણ જણાવ્યું હતું કે લગભગ 500,000 યુક્રેનિયનોને ગેરકાયદેસર રીતે રશિયા મોકલવામાં આવ્યા છે.
ઝેલેન્સકીના નિવેદન પર કિવ ઇન્ડિપેન્ડન્ટે તેના અહેવાલમાં સુધારો કર્યો છે. રિપોર્ટમાં, કિવ ઈન્ડિપેન્ડન્ટે અગાઉ ઝેલેન્સકીને ટાંકીને કહ્યું હતું કે એક જ સામૂહિક કબરમાં 900 લોકોને દફનાવવામાં આવ્યા હતા. જોકે, પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અલગ-અલગ સામૂહિક કબરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ તમામ કબરોમાં કુલ 900 લોકોને દફનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અહીં, યુક્રેનિયન યુદ્ધના 65મા દિવસે, રાજધાની કિવની આસપાસના વિસ્તારોમાંથી પરત ફરેલી રશિયન સેનાએ ફરી એકવાર અહીં મિસાઇલો છોડી હતી.
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની મોસ્કોથી યુક્રેનની મુલાકાત દરમિયાન એક દિવસ પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુટેરેસ જ્યારે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળવા જઈ રહ્યા હતા, ત્યારે થોડે દૂર એક મિસાઈલ પડી. ગુટેરેસે હુમલાની નિંદા કરી. રશિયન સૈનિકો કેટલાંક અઠવાડિયા અગાઉ કિવમાંથી પાછાં હટી ગયા ત્યારથી અહીં સૌથી મોટો હુમલો હતો.
યુએનના પ્રવક્તા સેવિયાનો અબ્રેયુએ જણાવ્યું હતું કે, “તે એક યુદ્ધભૂમિ છે પરંતુ હુમલો આપણી નજીક થવો એ આશ્ચર્યજનક છે.” તેણે એ નથી કહ્યું કે યુએનની ટીમ હુમલાથી કેટલી દૂર હતી, પરંતુ બધા સુરક્ષિત રહે. ઝેલેન્સકીએ હુમલાની નિંદા કરી છે. અગાઉ, ગુટેરેસે કહ્યું હતું કે યુક્રેન “અસહ્ય વેદનાનું કેન્દ્ર” બની ગયું છે. યુક્રેનિયન ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રશિયાએ કિવ પરના હુમલા સહિત દેશના અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. અહીં રહેણાંક મકાન અને અન્ય ઈમારત પર થયેલા હુમલામાં દસ લોકો ઘાયલ થયા છે.
યુક્રેનના અનેક શહેરોમાં હુમલા
યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલા પોલોન, બેલારુસની સરહદ નજીકના ચેર્નિહિવ અને રાજધાનીના દક્ષિણપશ્ચિમમાં મુખ્ય રેલ્વે હબ ફાસ્ટિવમાં વિસ્ફોટોની જાણ કરવામાં આવી હતી. દક્ષિણ યુક્રેનમાં ઓડેસાના મેયરે જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ દ્વારા ઘણા રોકેટને અટકાવવામાં આવ્યા હતા. કિવ પરના હુમલાએ શહેરને હચમચાવી નાખ્યું હતું. રહેણાંક ગગનચુંબી ઇમારતો અને અન્ય ઇમારતોની બારીઓમાંથી જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.
સામાન્ય નાગરિકો ચૂકવે છે યુદ્ધની કિંમત
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ બુચા શહેરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે રશિયન સૈન્ય દ્વારા આચરવામાં આવેલી નિર્દયતાની નિંદા કરી હતી. રશિયન સૈનિકોની પીછેહઠ પછી નાગરિકોની સામૂહિક હત્યાના પુરાવા હતા. ગુટેરેસે કહ્યું, યુદ્ધની સૌથી વધુ કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે.