અમે જવાબ આપી શક્યા હોત પણ… : પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવા પર ઇમરાને કહી નાખી આ વાત

બે દિવસ પહેલા તકનીકી ખામીને કારણે પાકિસ્તાની ક્ષેત્રમાં ભારતીય મિસાઇલ પડી હતી એ અંગે વડા પ્રધાન ઇમરાન ખાને  ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે અમે આનો જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ રાખ્યો હતો.

ભારતે આ ઘટના પર પહેલા જ દુખ વ્યક્ત કર્યું છે અને સૈન્ય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ ઇમરાન ખાન તેનાથી સંતુષ્ટ નથી. સદનસીબે ભારતીય મિસાઈલથી પાકિસ્તાનમાં કોઈ નુકસાન થયું નથી. ઇમરાન ખાને રવિવારે આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનની સંસદમાં સંયુક્ત વિપક્ષે ઇમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે અને તે સ્થાનિક મોરચે ઘેરાયેલા છે.

પાકિસ્તાનના હાજીફાબાદમાં એક રેલીને સંબોધતા ઇમરાન ખાને કહ્યું કે અમે મિયાં ચન્નુ પર પડેલી આ મિસાઈલનો જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ રાખવાનું યોગ્ય માન્યું. તેમણે એમ પણ કહ્યું કે અમે દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવી છે. આ પહેલા શનિવારે ઇમરાન સરકારે કહ્યું હતું કે તે આકસ્મિક મિસાઈલ લોન્ચના ભારતના દાવાથી સંતુષ્ટ નથી.

પાકિસ્તાનના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામીને કારણે મિસાઇલ છૂટી ગઈ હોવાનો સરળ ખુલાસો કામ કરશે નહીં. તેમણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિસાઈલ પડવાની ઘટનાની સંયુક્ત તપાસની માંગ કરી હતી, જેથી ઘટનાની હકીકત જાણી શકાય. પાકિસ્તાને ભારતને પ્રસ્તાવ આપ્યો છે કે સંયુક્ત તપાસ બાદ હકીકત બહાર લાવવામાં આવે. ભારતે પાકિસ્તાનને ‘આકસ્મિક મિસાઈલ લોન્ચ’ વિશે તાત્કાલિક માહિતી આપી ન હતી.

Scroll to Top