જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પણ ઠંડીનું જોર યથાવત છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તાજી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દરમિયાન, હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે નવું એલર્ટ જાહેર કર્યું છે. આજથી દેશના આ વિસ્તારોમાં શીત લહેરનો નવો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. અહીં માત્ર તાપમાનમાં ઘટાડો નહીં થાય પરંતુ 2 થી 4 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ પણ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 10-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેથી, આ વિસ્તારોના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. મધ્યપ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેશે. આ સિવાય છત્તીસગઢ અને વિદર્ભમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
અત્યારે કોઈ રાહત નથી
આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ઠંડી યથાવત રહેશે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. બિહારમાં પણ લોકોને હાલ ઠંડીથી રાહત નહીં મળે. જો કે આગામી 24 કલાક બાદ પૂર્વ રાજસ્થાનના લોકોને ઠંડીથી રાહત મળી શકે છે.
વરસાદ અને બરફવર્ષા
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન 29 અને 30 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલયના ઉપરના ભાગમાં હળવો વરસાદ અને બરફ પડી શકે છે.અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, તટીય તમિલનાડુ, રાયલસીમા અને કેરળ અને લક્ષદ્વીપના અલગ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં ઠંડીનું વાતાવરણ
રાજસ્થાનના ઘણા ભાગોમાં ઠંડીનું જોર યથાવત છે, જ્યાં ગઈકાલે રાત્રે કરૌલીમાં લઘુત્તમ તાપમાન 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં રાત્રિનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું.