જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર બાબરીના પક્ષકારે કહ્યું- તો આખો દેશ બરબાદ થઇ જશે

gyanvapi masjid

વારાણસીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો મામલો કોર્ટમાં છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં હિન્દુ પક્ષ દ્વારા શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાને લઈને એક તરફ રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ બાબરી મસ્જિદ કેસના પક્ષકારો પણ સક્રિય જોવા મળી રહ્યા છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં બાબરીના પક્ષકાર હાજી મહેબૂબે હવે જ્ઞાનવાપી કેસને લઈને નિવેદન આપ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર હાજી મહેબૂબે કહ્યું છે કે જો મુસ્લિમો વારાણસીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદને બચાવવા માટે આંદોલન કરશે તો દેશ બરબાદી તરફ ધકેલાઇ જશે. તેમણે આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જ્ઞાનવાપી મસ્જિદ અને શાહી ઈદગાહ મસ્જિદ માટે ષડયંત્ર રચી રહ્યું છે.

હાજી મહેબૂબે કહ્યું કે જો તેઓ આ બે મસ્જિદો લેવાનું વિચારી રહ્યા છે તો તેમણે આ ભૂલી જવું જોઈએ. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદને બચાવવા માટે એક મોટું આંદોલન થશે અને મુસ્લિમો આ વખતે પાછળ હટશે નહીં. હાજી મહેબૂબે કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં છે ત્યાં જ રહેશે. શિવલિંગ મળી આવ્યું હોવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ મસ્જિદના વઝુખાનામાં આવેલો ફુવારો છે, શિવલિંગ નથી.

બાબરી મસ્જિદના એડવોકેટ હાજી મહેબૂબે રામ મંદિર કેસનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે દરેક જગ્યાએ વસ્તુઓ અમારી તરફેણમાં છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદની તરફેણમાં બધું સ્વીકાર્યું અને રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે કહ્યું કે અમે હજુ પણ મૌન રહ્યા અને આ સમસ્યાનો ઉકેલ આવે તેવુ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર હિંદુ દેવી-દેવતાઓનાં શ્રૃંગાર ગૌરીની દૈનિક પૂજાના અધિકારની માગણી સાથે કેટલીક મહિલાઓએ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા વારાણસી કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. વારાણસી કોર્ટ વતી સર્વે માટે નિયુક્ત કોર્ટ કમિશનરે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. ત્યાં જ શાહી ઇદગાહ મસ્જિદનો મામલો પણ મથુરાની જિલ્લા અદાલતમાં છે.

Scroll to Top