LIVE મેચમાં અમ્પાયર કુમાર ધર્મસેના અમ્પાયરિંગ છોડીને ફિલ્ડિંગ કરવા લાગ્યા! વીડિયો વાયરલ

શ્રીલંકાની ક્રિકેટ ટીમે શ્રેણીની ત્રીજી વન-ડે મેચમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે યજમાન ટીમ 5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. કોલંબોમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 291 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 9 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં એક સમય એવો આવ્યો કે જ્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો મેદાન પરના અમ્પાયર કુમાર ધર્મસેનાને ‘ફિલ્ડિંગ’ કરતા જોઈને ચોંકી ગયા હતા. ધર્મસેનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખરેખરમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જ્યારે વિકેટકીપર એલેક્સ કેરી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો હતો. એ બાજુ અમ્પાયર કુમાર ધર્મસેના ઉભા હતા. 90ના દશકમાં શ્રીલંકાની ટીમનો ભાગ રહેલા ધર્મસેનાએ બોલને પકડવા માટે હાથ લંબાવ્યો, પરંતુ થોડી જ સેકન્ડોમાં તેમને ખ્યાલ આવી ગયો કે તે આ મેચમાં ફિલ્ડર તરીકે નહીં પરંતુ અમ્પાયર તરીકે છે. તેણે ઉતાવળે હાથ પાછો ખેંચ્યો. બોલ તેની બરાબર સામે પડ્યો હતો. આ પછી ધર્મસેનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયો જોઇ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા તરફથી હેડ અને ફિન્ચે અડધી સદી ફટકારી હતી

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 62 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેવિસ હેડ 65 બોલમાં 70 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. વિકેટકીપર એલેક્સ કેરીએ 52 બોલમાં 49 રન જ્યારે ગ્લેન મેક્સવેલે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 29 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી જેફ્રી વેન્ડરસેએ 3 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાએ 133 રનની ઇનિંગ રમી હતી

શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસાંકાએ 133 રન બનાવ્યા હતા. આ દરમિયાન નિસાંકાએ 147 બોલમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કુસલ મેન્ડિસ 85 બોલમાં 87 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જ્યે રિચર્ડસને બે વિકેટ ઝડપી હતી. શ્રેણીની ચોથી વનડે 21 જૂને રમાશે.

Scroll to Top