ઝારખંડની રાજધાની રાંચી પાસે ભગવતી ઉગ્રતારાનું એક મંદિર આવેલું છે. આમ તો માતા ઉગ્રતારાનું મુખ્ય મંદિર બિહારના સહરસા જીલ્લામાં આવેલું છે, તેને ગણવામાં આવે છે. શિવજી દ્વારા જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાંથી સતીના મૃતદેહને હવાઈ માર્ગે લઈ જવાતો હતો ત્યારે જ્યાં-જ્યાં તેમના દેહના ટૂકડાં પડ્યાં એ સ્થાનો શક્તિપીઠ બન્યાં. સહરસા જીલ્લાનું મંદિર પણ એવી જ એક શક્તિપીઠ છે.
પણ અહીં વાત કરવી ઉગ્રતારા માતાના ઝારખંડમાં આવેલ પ્રાચીન મંદિર વિશેના એક રહસ્યની. આ મંદિર યુપી-બિહારના યાત્રાળુઓને વિશેષ કરીને આકર્ષે છે. અહીં હરેક વર્ષે યાત્રાળુઓની સંખ્યા લાખોમાં હોય છે.
એક હજાર વર્ષ પુરાણી છે મૂર્તિ
મંદિરમાં માતા ઉગ્રતારાની એક ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. અનેક શણગારો વડે સુશોભિત આ મૂર્તિ વિશે લોકો કહે છે કે, તે એક હજાર વર્ષ પુરાણી છે! અહીં રહસ્ય શું છે?
મૂર્તિ પર મઢાયેલો અણઉકેલ કોયડો
માતા ઉગ્રતારાની આ મૂર્તિ પર કંઈક લખાયેલું છે. કંઈક એટલા માટે કે, જે ભાષામાં અહીં અક્ષરો મંડાયા છે એ અગાઉ ક્યારેય જોવામાં નથી આવી. ભાષા અજાણી છે. લિપિ પણ અજાણી છે. હક્કીકત છે કે, માતા ઉગ્રતારાની શ્યામરંગી મૂર્તિની પાછળની તરફ આ લખાણ લખાયેલું છે, જેનો હજુ સુધી કોઈ તોડ નથી જડતો. અનેક નિષ્ણાતોએ અહીઁ ગોથા ખાધાં છે. પણ જાણે અમુક રહસ્યો હંમેશા રહસ્ય તરીકે જ ધરબાયેલા હોય છે!
કહેવા પ્રમાણે, માતા ઉગ્રતારાના દર્શને ભક્તોની ભીડ રહે છે. માતા હરેક મનોકામના પૂરી કરે છે એવી લોકોની આસ્થા પ્રબળ છે. સાચું જ છે કે શ્રધ્ધા હોય એટલે ચમત્કાર સામે જ હોય!
રાજાને તળાવમાંથી મળી હતી બે મૂર્તિઓ
પિતામ્બર નાથ નામનો એક રાજા વર્ષો પહેલાં શાસન કરતો હતો. રાજાનો ઉલ્લેખ એટલા માટે કરવાનો કે, તેમનું નામ આ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલું છે, ઉદ્ભવ સાથે સબંધિત છે.
એક દિવસ પીતાંબર નાથને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન ભવ્ય હતું. ભગવતી શક્તિની બે નયનરમ્ય એવી તેજસ્વી મૂર્તિઓએ રાજાને દર્શન દીધાં. પછી એ વાત બની એને થોડા દિવસો વહી ગયા. એક દિવસ પીતામ્બર જંગલમાં શિકારે ગયો. હડીયાપાટી કરતા એને તરસ લાગી. જંગલ મધ્યેના એક તળાવ જડ્યું. ઘોડા પરથી ઉતરી જેવો રાજા ખોબો ભરીને તળાવમાંથી પાણી પીવા જાય છે ત્યાં માતાજીની બે મૂર્તિઓ નજરે ચડે છે. એ જ મૂર્તિઓ જે તેને સ્વપ્નમાં આવી હતી! એક હતી માતા લક્ષ્મીની અને બીજી હતી મા ઉગ્રતારાની.
એ મૂર્તિઓ પીતામ્બર નાથ પતાની સાથે નગરમાં લઈ ગયો. ધામધૂમથી માતાજીના પ્રાગટ્યનો ઉત્સવ થયો. મંદિર ચણાયું. મૂર્તિઓ સ્થાપિત થઈ. બસ, તે દિ’ની ઘડી ને આજનો દિ’! એ મંદિર એટલે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ જ.
૧૬ દિવસની વિશિષ્ટ પૂજા
માતા ઉગ્રતારાના આ મંદિરમાં દશેરાના દિવસોમાં થતી પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે. આ પૂજામાં ભાગ લેવાને થઈને લોકો દૂર-દૂરથી આવે છે. રિવાજ પ્રમાણે માછલી અને ભેંસ જેવા પશુઓની બલિ ચડાવવામાં આવે છે. માન્યતા છે કે, આથી માતા રાજી રહે છે. અંત સમયે માતાજીની મૂર્તિ પર એક પાન ચડાવવામાં આવે છે. જ્યારે આ પાન એની મેળે મૂર્તિ પરથી નીચે પડે ત્યારે માનવાનું કે પૂજા ખરી રીતે સફળ થઈ!
જય માતા ઉગ્રતારા…!
આર્ટીકલ માહિતીસભર લાગ્યો હોય તો શેર કરવામાં અચકાતા નહી!