અમદાવાદ: હાર્દિકના ઉપવાસ આંદોલનને આજે પાંચમો દિવસ છે. હાર્દિક પોતાની બે માગોને સરકાર પાસે મનાવવા અડગ છે, તો સરકાર પણ તેની માગોને ન માનવાનું જાણે નક્કી કરીને બેઠી છે. પાંચ દિવસના ઉપવાસને કારણે હાર્દિકનું શરીર અશક્ત બની રહ્યું છે, પરંતુ સરકાર જરાય મચક નથી આપતી. તેવામાં સવાલ એ છે કે, જો હાર્દિક ઉપવાસ આંદોલન બંધ ન જ કરે તો શું થાય?
પોતાના ઉપવાસને લઈને હાર્દિક અડગ છે. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, ખેડૂતોનું દેવું માફ ન થાય તેમજ પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી તે ઉપવાસ છોડવાનો નથી. પોતાના સમર્થકોને તેણે ત્યાં સુધી કહી દીધું છે કે, ઉપવાસ ભલે ગમે તેટલા લાંબા ચાલે, તેને તેનાથી તેની તબિયત પર કશોય ફરક નથી પડવાનો.
હાર્દિક ઉપવાસ પર બેઠો તે પહેલા જ રુપાણી સરકાર સવર્ણો માટે અનેક જાહેરાત કરી ચૂકી છે. જોકે, હાર્દિકનું કહેવું છે કે પાટીદાર સમાજને સરકારની લોલીપોપમાં નહીં, પરંતુ માત્ર અનામતમાં જ રસ છે. સાથે ખેડૂતોના દેવાની માફીની પોતાની માગ પર પણ તે અડગ છે. સરકાર હાર્દિકની આ બંનેમાંથી એકેય માગને હાલ તો સ્વીકારવા માટે તૈયાર નથી.
હજુ સુધી સરકારે હાર્દિકનો સંપર્ક કરી તેને ઉપવાસ આંદોલન બંધ કરવા કે પછી તેની માગણીઓ સંતોષવા અંગે કશીય વાત કરી નથી. આજે પાંચમા દિવસે પણ સરકાર તરફથી હાર્દિકને મળવા કોઈ નથી આવ્યું. એટલું જ નહીં, મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તો હાર્દિક પર ઉપવાસ આંદોલન અંગે પણ આક્ષેપબાજી કરી રહ્યા છે. જોકે, હાર્દિકના સમર્થકોને જોતા સરકાર માટે હાર્દિકના ઉપવાસ માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યા છે.
હાર્દિક જો ડોક્ટરોના સમજાવવા છતાંય ઉપવાસ છોડવા તૈયાર ન થાય તો શક્ય છે કે તેને પોલીસ જબરજસ્તી ઉઠાવી જાય અને હોસ્પિટલમાં દાખલ કરી દે. હાર્દિકની ઈચ્છા વિરુદ્ધ તેને જ્યૂસ પીવડાવી શકાય છે તેમજ ગ્લુકોઝના બાટલા પણ ચઢાવી શકાય છે. કારણકે જો આમ ન કરવામાં આવ્યું તો હાર્દિકની હાલત ગમે ત્યારે લથડી શકે છે.
હાર્દિકના દાવા અનુસાર, તે ઉપવાસ આંદોલન શરુ ન કરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા. તેને નિકોલમાં પ્લોટ ન આપવો પડે તે માટે બધા પ્લોટને પાર્કિંગમાં ફેરવી દેવાયા હતા. તેને ગાંધીનગરમાં ઉપવાસ કરવાની પણ મંજૂરી નહોતી અપાઈ. હાલ હાર્દિક ભલે ઘરમાં બેઠો-બેઠો ઉપવાસ કરતો હોય, પરંતુ તેના ઘર તેમજ સોસાયટી પર પણ પોલીસનો ચંપાતો બંદોબસ્ત છે.
સરકારને હાર્દિક કરતા તેના સમર્થકોનો વધુ ડર છે. તાજેતરમાં જ હાર્દિકની અટકાયત કરાતા સુરતમાં તોફાન થયું હતું, અને એક બસ સળગાવી દેવાઈ હતી. 25 ઓગસ્ટ 2016ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં મળેલી સભા બાદ હાર્દિકની ધરપકડ થતાં તેના સમર્થકોએ આખા ગુજરાતમાં પાટીદારોના પ્રભુત્વ ધરાવતા તમામ વિસ્તારોમાં તોફાન કર્યું હતું.