દેશમાં અસુરક્ષા, અશાંતિ, અકર્મોનો અંત આવી ચૂક્યો છે? ના, એ ત્વરીત શક્ય નથી! આપણી જાણબહાર એવા ગોરખધંધા પણ ચાલી રહ્યા છે જેના વિશે જાણીને રુંવાડાં ઉભાં થઈ જાય.
આ સ્થિતી વાસ્તવિક છે. જેને જોવા માટે ભારતના શહેરોનું ઉંડાણ તપાસવું રહ્યું. ઉડતી નજરે અમુક લોકો દ્વારા ચાલતા રાક્ષસી કર્મોનો અંદાજ નથી મળતો. મહિલાઓની લે-વેચનો જુગુપ્સાજનક ધંધો પણ ભારતમાં ચાલે છે. મહિલાઓને ભોળવીને ગણિકા(વેશ્યા) તરીકે રાખવામાં તો અમુક લોકો મહારથ હાંસિલ કરી ચુક્યા હોય છે. આવી જ એક વાસ્તવિક ઘટના નજર સામે આવી.
શું થયું હતું? જાણો આ બે’ક ફકરામાં બધી વાત:
અમુક લોકો હોય છે એવાં…જે વિદેશી મહિલાઓને ભોળવીને-ઠગીને ભારતમાં લાવે છે. ખબર નહી શું સ્વપ્ન દેખાડતાં હશે પણ અહીં લાવીને તેમના માટે રીતસર દોજખ ઉભું થઈ જાય છે.
બાંગ્લાદેશી મહિલા માથે આવી ગુજરી
મૂળે બાંગ્લાદેશની એક મહિલા રાક્ષસી લોકોની દેહવ્યાપાર પ્રક્રિયામાં ફસાઈ અને પુણેના એક ગણિકાલયમાં રાખવામાં આવી. સ્ત્રીને ફોંસલાવવામાં આવી હતી. આખી વાત કંઈક આમ છે :
એ મૂળે જ સધ્ધર તો હતી નહી. વળી ધણી પણ માથાનો ફરેલ મળ્યો. કાયમ માર ખાતી એના હાથનો. બાઈએ ત્રાસી જઈને તલાક લઈ લીધાં. એક ગારમેન્ટના કારખાનામાં નોકરીએ લાગી ગઈ. ચાર આંકડાનો પગાર મળતો એમાંથી પરિવારનું ગુજરાન ચાલતું.
એવામાં બાઈએ ભારતમાં રોજગારીની તકો વધારે છે એવું સાંભળ્યું. ડૂબતો તો તણખલું પકડવાનો જ! એ પછી આ બાઈ દેહવ્યાપારીઓની નજરમાં આવી અને એના વિષચક્રમાં ફસાઈ ગઈ. એક નેપાળી સ્ત્રીને ત્યાં આ બાઈને અડધા લાખમાં વહેંચવામાં આવી.
વળી, પાસું પલટ્યું. બાઈ ફરી વેચાણી. આ વખતે બેંગ્લોરની એક વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતી સ્ત્રીએ ખરીદી. અહીંથી ખરેખરો આ દેહવ્યાપારનો દોર ચાલુ થયો. બાઈ પૂછે કે, મારે ઘેર જાવું છે. તો ખોટો દિલાસો આપવામાં આવતો. એ પછી પુણે મોકલવામાં આવી. અહીઁ દોઢ વર્ષ હાડમારી સહન કરી.
રેસ્કયૂ ફાઉન્ડેશને છોડાવી
આખરે આ અભાગી બાઈને રાહત મળી. એક રેસ્ક્યૂ ફાઉન્ડેશનની નજરમાં તે આવી અને તેણે તેમને આ ધંધામાંથી છોડાવી. એ સાલ ૨૦૧૫ ની હતી. ફાઉન્ડેશને કરેલાં ટ્વીટથી જાણકારી મળી હતી.
ઘરે પહોંચવામાં નડે છે આ મુશ્કેલી
મહિલા છૂટી તો ગઈ. જમા પુંજી તરીકે દસેક હજાર રૂપિયા પણ પાસે હતા. પોતાના વતનમાં આરામથી જઈ શકાય તેમ હતું. પણ એવામાં નોટબંધી થઈ અને બાઈના પાંચસો-હજારના નોટ નકામા ઠર્યાં. હવે કરે તો શું કરે? પોતાના દેશમાં પહોંચવું કઈ રીતે?
વડાપ્રધાન-વિદેશમંત્રીને લખ્યો પત્ર
ઘણી વાર સોશિયલ મીડિયા પર કોઈ મુસીબતમાં ફસાયેલા વ્યક્તિનો શાસન-પ્રશાસનના મુખ્યાઓને લખાયેલા પત્રો વાઇરલ થાય છે, જેમાં તેઓ મદદ માટે ધા નાખતા નજર આવે છે. આ મહિલાએ પણ એવું જ કર્યું. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની આપવીતી પત્રમાં વર્ણવી. પોતાના સંજોગો ખરાબ છે એટલે મદદ કરવા જણાવ્યું.
હવે આખરે દિલ્હીથી કંઈ જવાબ મળ્યો કે નહી એ વિશે તો કંઈ જાણકારી છે નહી. પત્ર નજરમાં આવ્યો હશે, બાબત સાચી લાગી હશે તો કદાચ મહિલા વતન પરત ફરી શકશે.
લોકો આજે કેવાં હરામી માનસવાળા બની ગયાં છે? ઉપર કોઈ બેઠું છે એની જાણે બીક જ નથી! આપણે જે સ્ત્રીની વાત કરી એને આ લોકોએ માત્ર પોતાના જ સ્વાર્થ માટે ફસાવી હશે. પણ એમાં આ વિદેશી મહિલા માથે વીતેલી કસોટીનો જરા પણ ખ્યાલ આવ્યો? ના આવે. કળજૂગ છે…!