રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશ કરી લીધો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પોતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કિવની શેરીઓ પર રશિયન સેનાની ટેન્ક, બખ્તરબંધ વાહનો દેખાયા છે. શુક્રવારે સવાર સુધીમાં રશિયન દળોએ બેલારુસ થઈને રાજધાની કિવનો ઘેરાવ કરી લીધો હતો. આ દરમિયાન દુનિયાના ઘણા દેશો રશિયા પર યુદ્ધ છેડવાના આરોપો લગાવી રહ્યા છે અને અમેરિકા સહિત ઘણા દેશો રશિયાને આડે હાથ લઇ રહ્યા છે ત્યારે ભારત પાસે પણ આ મુદ્દે પ્રતિક્રિયા માગવામાં આવી રહી છે ત્યારે આજે અમને તમને જણાવવા જઇ રહ્યા છીએ કે રશિયા અને ભારતના સંબંધો આટલા મજબૂત કેમ છે અને ભારત શા માટે આ યુદ્ધ પર કોઇ ટિપ્પણી કરી રહ્યું નથી. તમારે એ જાણવું પણ જરૂરી છે કે, ભારતને રશિયાએ કઇ હદ સુધી મદદ કરી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં આખી દુનિયાએ ભારતથી છેડો ફાડી લીધો હતો અને અમેરિકા તો પાકિસ્તાન માટે મદદ પહોંચાડી રહ્યું હતું ત્યારે રશિયાએ આખી દુનિયાની અમગણના કરી ભારત માટે યુદ્ધજહાજ બંગાળની ખાડીમાં મોકલી દીધુ હતુ્ અને અમેરિકાએ પીછે હઠ કરવી પડી હતી.
ભારત પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને પરિણામે બાંગ્લાદેશ (અગાઉ પૂર્વ પાકિસ્તાન)નો ઉદય થયો. આ યુદ્ધમાં પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તે બીજા વિશ્વ યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી મોટું લશ્કરી શરણાગતિ માનવામાં આવે છે. ભારતીય સેનાની સામે પાકિસ્તાની સેનાએ માત્ર 13 દિવસમાં જ સરેન્ડર કરી દીધું હતું.
પાકિસ્તાનની મદદ માટે અમેરિકા આગળ આવ્યું
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક સમય એવો હતો જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા માટે જાપાનની નજીક તેના નૌકાદળના સાતમા ફ્લીટને બંગાળની ખાડીમાં મોકલ્યા હતા. તેની પાછળનું કારણ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ નિક્સન અને ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે સારા સંબંધો ન હોવાનું પણ કહેવાયું હતું. 1971ના સમયે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત માનવામાં આવતા હતા. અમેરિકાએ પાકિસ્તાનને ઘણા અત્યાધુનિક હથિયારો આપ્યા હતા. પાકિસ્તાની નૌકાદળની પીએનએસ ગાઝી પણ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી અત્યાધુનિક સબમરીન હતી. તેને ભારતના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નષ્ટ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે ભારતીય નૌકાદળે તેને વિશાખાપટ્ટનમ પાસે ડૂબાડીને પાકિસ્તાની નૌકાદળની કમર તોડી નાખી હતી.
સાતમી ફ્લીટની વિશેષતા શું હતી?
યુએસ નેવીના સેવન્થ ફ્લીટમાં યુએસએસ એન્ટરપ્રાઇઝ, પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર અને અન્ય ડિસ્ટ્રોયરનો સમાવેશ થતો હતો. આ કાફલો તે સમયે વિશ્વના સૌથી શક્તિશાળી નૌકા કાફલાઓમાંનો એક માનવામાં આવતો હતો. યુએસએસ એન્ટરપ્રાઇઝ પાસે ઇંધણ ભર્યા વિના વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણે મુસાફરી કરવાની ક્ષમતા હતી. તે ભારતના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત કરતાં ઘણું મોટું હતું. બાંગ્લાદેશમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને બહાર લાવવા માટે આ કાફલાને બંગાળની ખાડીમાં મોકલવા પાછળ અમેરિકાએ જણાવ્યું હતું. જોકે પાછળથી ખબર પડી કે આ કાફલાનો હેતુ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં લડી રહેલી ભારતીય સેના પર દબાણ લાવવાનો હતો.
રશિયાએ કેવી રીતે મદદ કરી?
યુએસ નેવીનો 7મો ફ્લીટ ભારત તરફ આગળ વધી રહ્યો હોવાના સમાચાર બાદ ભારતે રશિયા (અગાઉના સોવિયત સંઘ) પાસે મદદ માંગી હતી. યુદ્ધની શરૂઆતના થોડા મહિના પહેલા ભારતે રશિયા સાથે શાંતિ મિત્રતા અને સહકારની સોવિયેત-ભારત સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. યુએસ નેવીને બંગાળની ખાડી તરફ આગળ વધતી જોઈને રશિયાએ ભારતની મદદ માટે પ્રશાંત મહાસાગરમાંથી તેની પરમાણુ સક્ષમ સબમરીન અને વિનાશકને હિંદ મહાસાગરમાં મોકલ્યા હતા.
અમેરિકાનો સાતમો કાફલો પાકિસ્તાનને મદદ કરવા બંગાળની ખાડી સુધી પહોંચી શકે તે પહેલા 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાએ ભારતને શરણાગતિ સ્વીકારી. જોકે રશિયન નૌકાદળે તે પરત ન આવે ત્યાં સુધી સાતમી ફ્લીટનો પીછો છોડ્યો ન હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકા સહિત અન્ય ઘણા દેશો પાકિસ્તાનના સમર્થનમાં ઉભા હતા. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ લાવીને પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રશિયાએ આ પ્રસ્તાવને વીટો કરીને ભારતને મદદ કરી હતી. આ કારણોસર પણ રશિયાને ભારતનો સદાબહાર મિત્ર માનવામાં આવે છે.