જ્યારે કોઈએ સાથ ન આપ્યો, તો ગર્લફ્રેન્ડ બની સહારો, કરિયરના ખરાબ સમયમાં ફોન પર રડ્યો ઈશાંત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર અને અનુભવી બોલર ઈશાંત શર્માએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન ક્રિકેટમાં પોતાના ખરાબ સમય વિશે વાત કરી અને મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે કેવી રીતે 2013માં ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં રમાયેલી વન-ડે બાદ ખૂબ રડતો હતો.

ખરેખરમાં વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા ભારતીય પ્રવાસ પર હતું. આ દરમિયાન મોહાલીમાં રમાયેલી વનડે મેચ દરમિયાન ઝડપી બોલર ઈશાંત શર્માનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. જ્યારે કાંગારૂઓને 18 બોલમાં 44 રનની જરૂર હતી. તો 48મી ઓવરમાં ઈશાંત શર્માએ 30 રન લીધા હતા. જેના કારણે ભારત મેચ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે તે ઓવરમાં ઈશાંતને 4 સિક્સ ફટકારી હતી. આવી સ્થિતિમાં ઈશાંતે હવે ખુલાસો કર્યો છે કે તે આ તબક્કામાંથી કેવી રીતે પસાર થયો છે.

હું મારી ગર્લફ્રેન્ડને ફોન કરતો અને રોજ રડતો – ઈશાંત શર્મા

ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ 2013ની મોહાલી મેચને તેની કારકિર્દીની સૌથી ઓછી ક્ષણ ગણાવી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તે મેચ બાદ તેની ગર્લફ્રેન્ડ (વર્તમાન પત્ની)ને સતત ફોન કરીને રડતો હતો. ઈશાંત શર્માએ કહ્યું, ‘મારા કરિયરનો સૌથી ખરાબ તબક્કો 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચ હતો.

તેણે કહ્યું, ‘મને સૌથી વધુ દુઃખ એ છે કે હું તે મેચમાં ટીમની હારનું કારણ બન્યો. તે સમયે હું મારી પત્નીને ડેટ કરતો હતો. મેં તેની સાથે વાત કરી અને તે સમયે હું એક મહિના સુધી રડ્યો. હું રોજ તેને (પત્ની) ફોન કરતો અને રડતો અને કહેતો કે મારા કારણે ટીમ હારી ગઈ.

ઈશાંત શર્માનું ઈન્ટરનેશનલ કરિયર

34 વર્ષીય ઈશાંત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 105 ટેસ્ટ, 80 વનડે અને 14 ટી20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 311, 115 અને 8 વિકેટ લીધી છે. ઈશાંતે ખરા અર્થમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. જોકે, 2021માં તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ તે અત્યાર સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી શક્યો નથી. જોકે, ઈશાંત ભારત માટે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનાર 13 ખેલાડીઓમાંનો એક છે.

Scroll to Top